Western Times News

Gujarati News

AMCની નવી ઢોર અંકુશ નીતિ પ્રત્યે પશુમાલિકો બેદરકાર

રખડતા ઢોરના મામલે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કર્યા પછી મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ કમિશનર એમ. થેન્નારસનના આદેશથી હરકતમાં આવી ગયા છે.

મ્યુનિસિપલ તંત્ર સમક્ષ માત્ર ૧પ૬૮ અરજીઓ આવી, જે પૈકી ધારાધોરણ મુજબની ૪૩૦ માન્ય રખાઈ

(એજન્સી) અમદાવાદ, શહેરીજનોને રોજબરોજના જીવનમાં કનડતી સમસ્યાઓમાં રખડતાં ઢોરનો પ્રશ્ન મુખ્યત્વે હતો. અમદાવાદમાં અત્ર-તત્ર-સર્વત્ર રખડતા ઢોરનું સામ્રાજય હતું. છાશવારે લોકો રખડતા ઢોરની અડફેટે ચઢીને ઈજાગ્રસ્ત થતા હતા. અમુક કિસ્સામાં તો કમનસીબે મૃત્યુ પણ નીપજયા છે, જોકે રખડતા ઢોરના મામલે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કર્યા પછી મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ કમિશનર એમ. થેન્નારસનના આદેશથી હરકતમાં આવી ગયા છે.

શહેરમાં નવી પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલિસીની કડકાઈથી અમલવારી શરૂ કરાઈ છે, જેના પગલે હવે શહેરમાંથી રખડતાં ઢોર જાણે કે અદૃશ્ય થયા છે, જોકે ઢોર રાખવા માટે જરૂરી લાઈસન્સ- પરમિટ મેળવવાના મામલે તંત્રના ચોપડે પશુમાલિકો ભારે બેદરકાર પુરવાર થયા છે.

ગઈકાલે જ હાઈકોર્ટે પશુમાલિકોને ફરી એકવાર કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. હાઈકોર્ટે સોય ઝાટકીને જણાવ્યું હતું કે નવી ઢોર અંકુશનીતિની અમલવારીમાં તમે બાધારૂપ ન બનશો. એક તરફ તમે અહીં રજૂઆત કરવા માટે આવો છો અને બીજીબાજુ બહાર જાહેરમાં દેખાવો-આંદોલન કરી આક્રોશ વ્યકત કરો છો. આમ કરી તમે ઢોર અંકુશનીતિની અમલવારીમાં અડચણો ઉભી કરી રહ્યા છો, જે ચાલશે નહી, જો જાહેરમાં આક્રોશ બતાવો છો તો પછી તમે ત્યાં જ જાઓ, હાઈકોર્ટ સમક્ષ આવશો નહીં.

મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા નવી પોલિસી બાદ શહેરમાંથી ૩૮ હજાર કરતાં વધુ ઢોરને અમદાવાદ બહાર ખસેડવામાં આવ્યા છે તેવો દાવો કરાયો છે. તંત્ર કહે છે કે આજે શહેર ઢોર રંજાડમુકત બનવા તરફ જઈ રહ્યું છે. ખાસ કરીને વિવિધ વિસ્તારમાં સર્વે કરી ઢોર રાખવાની જગ્યા ન ધરાવનારાઓને ગત તા.૧ ડિસેમ્બર સુધીમાં પોતાના ઢોર શહેર બહાર ખસેડી લેવાનું અલ્ટિમેટમ સત્તાવાળાઓએ આપતાં પશુમાલિકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે.

ગત તા.૧ સપ્ટેમ્બર, ર૦ર૩થી શહેરમાં નવી પશુ ત્રાસ અટકાવ નિયંત્રણ પોલિસી અમલમાં મુકાઈ હોઈ આ પોલિસી અંતર્ગત પશુમાલિકોને ઢોર રાખવા માટેના લાઈસન્સ-પરમિટ ૯૦ દિવસમાં મેળવી લેવાનું ફરજિયાત કરાયું હતું, જોકે પશુમાલિકો આ બાબતમાં પણ ભારે બેદરકાર જણાયા છે. મ્યુનિ. ઢોર ત્રાસ અંકુશ વિભાગના વડા નરેશ રાજપૂત કહે છે કે ગત તા.૧૮ ડિસેમ્બર, ર૦ર૩ની સ્થિતિએ તંત્ર સમક્ષ લાઈસન્સ-પરમિટ મેળવવા માટે કુલ ૧પ૬૮ અરજી આવી છે,

જે પૈકી ધારાધોરણ મુજબ ૪૩૦ અરજી માન્ય રખાઈ છે. હાલમાં પ૩૩ અરજી તંત્રની પ્રક્રિયા હેઠળ છે, જયારે ૬૦પ અરજીને તંત્રે જગ્યાની માલિકી ધરાવતા ૭/૧રના દાખલા સહિત પૂરતા પુરાવાના અભાવે ફગાવી દીધી છે. લાઈસન્સ- પરમિટ માટે માન્ય કરાયેલી અરજીઓની ઝોન વાઈઝ માહિતી દર્શાવે છે કે દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ર૩ર લાઈસન્સ- પરમિટ અપાયાં છે.

ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૦૯, મધ્ય ઝોનમાં ૩૮, પશ્ચિમ ઝોનમાં ર૩, ઉત્તર ઝોનમાં ૧ર, પૂર્વ ઝોનમાં ૧૦ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા લાઈસન્સ – પરમિટ આપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.