Western Times News

Gujarati News

દમણમાં લીકર શોપ ધરાવતી વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશનના કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાય નહી: હાઈકોર્ટ

પ્રતિકાત્મક

જેઓ દમણમાં દારૂ વેચવા માટેનું કાયદેસરનું લાયસન્સ્‌ ધરાવે છે. તેમની જોડેથી ભારે ખંડણી ઉઘરાવે છે અને છેલ્લા કેટલાક સમયથી ઓથોરિટી દ્વારા દમણના અનેક દારૂ વેચનારા વેપારીઓને આ રીતે હેરાન કરવામાં આવે છે.

(એજન્સી) અમદાવાદ, હાલમાં જયારે ગિફટ સિટીમાં દારૂના મામલે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે હાઈકોર્ટમાં પ્રોહિબિશનના કાયદા હેઠળના એક રસપ્રદ કેસમાં હાઈકોર્ટે કાયદાની સ્પષ્ટતા કરતાં ઠરાવ્યું છે કે, દમણ (કેન્દ્ર શાસિત પ્રદેશ)માં લીકર શોપ ધરાવતી વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશનના કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાય નહી. આ સાથે જ હાઈકોર્ટે આ મામલે વલસાડ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ અને એ અનુસંધાને હાથ ધરાયેલી કાનૂની કાર્યવાહીને રદ કરવાનો આદેશ કર્યો છે.

અરજદાર દમણમાં વાઈન અને લીકર શોપ ધરાવે છે અને એની વિરુદ્ધ પ્રોહિબિશનના કાયદા હેઠળ વલસાડમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે મામલે અરજદારે હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન કરી હતી.

જેમાં મુખ્યત્વે હાઈકોર્ટ દ્વારા વારંવાર આપવામાં આવેલા ચુકાદાનો હવાલો આપતા રજૂઆત કરવામાં આવ હતી કે, હાઈકોર્ટ દ્વારા અવારનવાર ચુકાદાઓ આપીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કેન્દ્ર શાસિત પ્રદેશમાં લીકર શોપ ધરાવતી હોય તો તેને પ્રોહિબિશનના કાયદા હેઠળ જવાબદાર ઠરાવી શકાય નહી.

વધુમાં આ કેસમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારને ગુનામાં સંડોવી કાઢવવામાં આવ્યો છે અને એની વિરુદ્ધ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો છે. જોકે હકીકતમાં અરજદાર પોલીસ ઓથોરિટીની ગેરકાયદેસર નાણાંની માગ સામે ઝુકયો નહી હોવાથી તેને આ મામલે ફસાવામાં આવી રહ્યો છે. પોલીસ ઓથોરિટી દ્વારા અરજદાર અને એવા અન્ય કે જેઓ દમણમાં દારૂ વેચવા માટેનું કાયદેસરનું લાયસન્સ્‌ ધરાવે છે.

તેમની જોડેથી ભારે ખંડણી ઉઘરાવે છે અને છેલ્લા કેટલાક સમયથી ઓથોરિટી દ્વારા દમણના અનેક દારૂ વેચનારા વેપારીઓને આ રીતે હેરાન કરવામાં આવે છે. જો વેપારીઓ તેમની માગ સામે શરણાગતિ ન સ્વીકારે તો તેમને કાનૂની કેસોમાં ફસાવી કાઢવાની ધમકીઓ અપાય છે. અરજદારે પોલીસની આ કુપ્રથા સામે વિરોધ કર્યો હતો. અરજદારનું નામ એફઆઈઆરમાં ન હોવા છતાંય તેમની સામે ખોટા કેસ ઉભા કરાયા છે.

રાજય સરકાર દ્વારા આ અરજીનો વિરોધ કરી એવી દલીલ કરવામાં આવી હતી કે મોટા જથ્થામાં પકડાયેલા દારૂનો આ વિવાદ છે તેના મૂળ સુધી પહોંચવા માટે અરજદારની પુછપરછ જરૂરી છે અને તેથી જ તેની સામે વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.