Western Times News

Gujarati News

છેલ્લા બે દશકામાં સ્પોર્ટ્સ સેન્ટર્સની સંખ્યામાં પણ આઠ ગણો વધારો થયો: મુખ્યમંત્રી

ખેલ મહાકુંભ ૨.૦નો શાનદાર પ્રારંભ કરવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

‘પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ’ની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ બન્યો છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની પ્રતિભાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવા ખેલ મહાકુંભ શરૂ કરાવ્યો: રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0નો શાનદાર પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ’ની જે પ્રેરણા આપી છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ બન્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ૨૦૧૦માં શરૂ કરાવેલા ખેલ મહાકુંભનો વ્યાપક પ્રભાવ રાજ્યના રમતગમત ક્ષેત્રમાં રહ્યો છે. આના પરિણામે તમામ સ્તરે રમતગમતની ક્ષમતાઓ બહાર લાવવા બાળકો, યુવાનો, અબાલ-વૃદ્ધ સૌને ખેલપ્રતિભા ઝળકાવવાનું એક પ્લેટફોર્મ મળ્યું છે અને ખેલકૂદની આગવી સંસ્કૃતિની પરંપરા સ્થપાઈ છે.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયાના વિશાળ ગ્રાઉન્ડમાં રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં જોમ-જુસ્સાથી થનગનતા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, ગુજરાતે આવા ખેલમહાકુંભ દ્વારા રાષ્ટ્રીય અને આતંરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ
આપી છે.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં સ્પોર્ટ્સને ઇન્સપાયર, એન્કરેજ અને સેલિબ્રેટ કરવાના અનેકવિધ નવતર આયોજનો અને પ્રકલ્પો શરૂ કર્યાં તેથી રાજ્યમાં મજબૂત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને બળ મળ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચરના વિકાસમાં સીમાચિહ્ન બની છે તેનો વિશે ઉલ્લેખ કરતાં એમ પણ કહ્યું કે, રમતગમત ક્ષેત્રે પાંગરતી પ્રતિભાઓને પ્રોત્સાહન માટે ગુજરાતે ડેડિકેટેડ સ્પોર્ટ્સ પોલિસી અમલમાં મૂકી છે

તેમણે વધુમાં કહ્યું કે,  રાજ્ય સરકારે બે દાયકામાં અઢી કરોડ રૂપિયાના સ્પોર્ટ્સ બજેટને ઉત્તરોત્તર વધારીને આજે ૨૯૩ કરોડ રૂપિયા કર્યું છે. તેના પરિણામે છેલ્લા બે દશકામાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સેન્ટર્સની સંખ્યામાં પણ આઠ ગણો વધારો થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રમતગમતના ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની પરંપરાને વડાપ્રધાન તરીકે દેશમાં ‘ખેલો ઇન્ડિયા’ શરૂ કરાવીને ગુજરાતના આ મોડલને રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ અપાવી છે.

આ પ્રસંગે રમત-ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ખેલ મહાકુંભની નવી શરૂઆત થઈ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની પ્રતિભાઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવા ખેલ મહાકુંભ શરૂ કરાયો હતો તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ૨૦૧૦માં ૧૫ લાખ ખેલાડીઓ સાથે યોજાયેલ ખેલમહાકુંભમાં આજે ૬૦ લાખ ખેલાડીઓની સહભાગિતા સાથે આગળ વધી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષે ૭ વય જૂથમાં ૩૯ રમત અન્વયે રૂપિયા ૪૫ કરોડની ઈનામ રાશિ નિયત કરાઈ છે. આ ઉપરાંત તાલુકાકક્ષાએ અને શાળાઓમાં પણ રમત સ્પર્ધાઓ યોજાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગોને પણ પ્રોત્સાહન આપવા માટે રાજ્યસરકાર આગળ વધી રહી છે માત્ર ગુજરાત રાજ્યમાં જ આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરાઇ છે. એમ તેમણે ઉમેર્યું હતું. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ટૂંકાગાળામાં નેશનલ ગેમ્સનું આયોજન કરાયું હતું. રાજ્યના તમામ વિસ્તારના તાલુકાઓમાં સ્પોર્ટ્સ સેન્ટર વિકસાવવાનું આયોજન છે. રાજ્યના DLSS અંતર્ગત ૪૮૯૦ ખેલાડીઓ માટે પ્રત્યેક વિદ્યાર્થીદીઠ ૧.૬૩ લાખ તાલીમ માટે ચૂકવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

અંતે તેમણે જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ 2.0 આખું વર્ષ ચાલવાનો છે, એટલે ખેલાડીઓ બે રમતોમાં ભાગ લઈ શકશે. યુવાનોને ખેલ મહાકુંભમાં ઈચ્છાપૂર્વક જોડાવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રમત ગમત વિભાગના અગ્રસચિવ શ્રી અશ્વિનીકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પેરા એશિયન ગેમ્સ 2023, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બાળકો અને યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભ 2.0માં નવીન બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તાલુકા કક્ષાએ પણ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અપાશે, દરેક વયજૂથમાં ખેલાડીઓને સમાન રોકડ પુરસ્કાર અપાશે. ખેલ મહાકુંભ 2.0માં સેપક ટકરાવ, બીચ વુડબોલ, બીચ વોલીબોલ જેવી 4 રમતોનો સમાવેશ કરાયો છે. તેમજ વિજેતા ખેલાડીઓ અને પ્રોફેશનલ સ્પોર્ટ્સ લીગના ખેલાડીઓ વચ્ચે સ્પોર્ટ્સ લીગનું આયોજન કરાશે.  આ ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પે.મહાકુંભ યોજાશે અને સમગ્ર વર્ષ 2024 દરમિયાન વિવિધ ખેલ સ્પર્ધાઓનું આયોજન કરાશે.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી,  સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ શ્રી આર. ડી. ભટ્ટ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલ શ્રી આર.એસ. નિનામા તેમજ વિવિધ અધિકારીશ્રીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.