Western Times News

Gujarati News

અજયબાણ સાથે શક્તિપીઠ અંબાજીનું અનેરું અનુસંધાન

શક્તિપીઠ અંબાજી – ગબ્બર ખાતે “અજયબાણ”ની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ

(માહિતી બ્યુરો,પાલનપુર) જગતજનની મા અંબામાં અતૂટ અડગ આસ્થા ધરાવતા માઇભક્ત ગ્રુપ જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ – અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અયોધ્યા ખાતે નિર્માણધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

આ અજયબાણ અયોધ્યા રામ મંદિરમાં અર્પણ કરતા અગાઉ આજરોજ શક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે મા અંબાની અખંડ જ્યોત સમક્ષ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી વરુણકુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં ૫૧ શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે “અજયબાણ” ની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

જેમાં જયભોલે ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. જિલ્લા કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલે જયભોલે ગ્રુપની ધાર્મિક આસ્થાને બિરદાવતાં અયોધ્યા યાત્રા માટે શુભાશિષ પાઠવ્યા હતા.

પૌરાણિક કથા અનુસાર જોઈએ તો અજયબાણ સાથે શક્તિપીઠ અંબાજીનું અનેરું અનુસંધાન જોવા મળે છે. ત્રેતાયુગમાં જ્યારે પ્રભુ શ્રી રામ અને તેમના ભાઈ લક્ષ્મણ ઋષિ શૃંગીને મળ્યા ત્યારે ઋષિ શૃંગીએ રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામની જીત માટે શ્રી રામને આદ્યશક્તિ મા જગદંબાની પૂજા કરવાનું અને તેમને પ્રસન્ન કરવાનું સૂચન કર્યું હતું.

ભગવાનશ્રી રામે મા જગદંબાનું શ્રદ્ધાપૂર્વક જપ તપ પૂજન કર્યું. આથી આદ્યશક્તિ મા અંબાએ ભગવાન શ્રી રામને વિજયનું વરદાન આપ્યું અને આશીર્વાદ સ્વરૂપે તેમને એક બાણ આપ્યું. આ બાણ એજ “અજય બાણ” જેના થકી પ્રભુ શ્રી રામે દશાનન રાવણનો સંહાર કર્યો. આ વાતનો ઉલ્લેખ માતાજીની આરતીના શબ્દો ‘રામે રામ રમાડ્‌યા, રાવણ રોળ્યો મા, ઓમ જયો જયો મા જગદંબે.’ માં પણ જોવા મળે છે.

જય ભોલે ગ્રુપ અમદવાદના ફાઉન્ડર દીપેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મા અંબાના આશીર્વાદથી જ બધુ થઈ રહ્યું છે. ત્રેતા યુગમાં મા અંબાએ ભગવાન રામને અજયબાણ આપી આસુરી શક્તિઓનો વિનાશ કર્યો હતો. અત્યારે કળીયુગમાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અમને આ પૌરાણિક કથા ઉપરથી અજયબાણ બનાવવાની પ્રેરણા થઈ જેથી અમે પંચધાતુમાંથી ૫ ફૂટ લાંબુ અને ૧૧.૫ કિલોગ્રામ વજનનું અજયબાણ બનાવ્યું છે. જે આગામી ૧૦ મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુશ્રી રામના મંદિરમાં અર્પણ કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.