Western Times News

Gujarati News

BAPS: પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર PM મોદીને મહંત સ્વામીએ અબુ ધાબી મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ આપ્યું

પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસ બંનેએ વડાપ્રધાનના સ્વાસ્થ્ય અને તેઓના મહાન નેતૃત્વ અને દેશની સતત સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ અબુ ધાબી-BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટેનું આમંત્રણ સ્વીકાર્યું

અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર વતી, પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસે મંદિરના આગેવાનો સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને 14 ફેબ્રુઆરી 2024 ના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહ માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો અને આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે ઉત્સાહપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું.

BAPS ના વરિષ્ઠ સંત પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસે પરંપરાગત રીતે પ્રધાનમંત્રીને હાર પહેરાવી અને ખભે કેસરી શાલ ઓઢાડીને આપણા દેશ અને દુનિયામાં તેમના નોંધપાત્ર યોગદાનને બિરદાવીને તેમનું સન્માન કર્યું હતું. સમગ્ર ભારતમાં યાત્રાધામોના નોંધપાત્ર નવીનીકરણ અને વિકાસની અભૂતપૂર્વ સિદ્ધિ માટે પ્રધાનમંત્રીને પૂજય સંતોએ બિરદાવ્યા હતા.

સાંજે 6:30 થી 7:25 PM દરમિયાન 7,  લોક કલ્યાણ માર્ગ ખાતેના પ્રધાનમંત્રી નિવાસી કાર્યાલયમાં લગભગ એક કલાક લાંબી, ઉષ્માભરી અને અનૌપચારિક બેઠકમાં  વૈશ્વિક સંવાદિતા માટે અબુ ધાબી મંદિરના મહત્વ અને વૈશ્વિક મંચ પર ભારતના આધ્યાત્મિક નેતૃત્વ માટે પ્રધાનમંત્રી મોદીના વિઝન અને તેમની અસાધારણ વૈશ્વિક સિદ્ધિઓને, ખાસ કરીને UAE અને અન્ય મધ્ય પૂર્વીય દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવ્યા તેને સંતોએ બિરદાવી હતી.

BAPS પ્રતિનિધિ મંડળે પ્રધાનમંત્રી મોદીજીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી તેમજ પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વએ વિશ્વભરના ભારતીયોમાં જે ગૌરવ અને પ્રેરણા જન્માવી છે તેની પણ ચર્ચા કરી.

પ્રમુખસ્વામી મહારાજની સાથેની તેઓની અંગત અને અમર સ્મૃતિઓ અને તેઓના  ભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીને યાદ કરીને, પ્રધાનમંત્રી ભાવવિભોર થયા હતા અને મહંત સ્વામી મહારાજના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમણે અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા મુખ્ય વ્યક્તિઓ, સ્વયંસેવકો અને સમર્થકોના પ્રયાસોની પણ પ્રશંસા કરી,

જેમાં તેમની સમક્ષ હાજર રહેલા ચેરમેન અશોક કોટેચા, વાઇસ ચેરમેન યોગેશ મહેતા અને ડિરેક્ટર ચિરાગ પટેલનો પણ સમાવેશ થાય છે, અને તેમના પ્રદાનને ભારત માટે ગૌરવના મહત્વના સ્ત્રોત તરીકે બિરદાવ્યું હતું. પ્રધાનમંત્રીએ તેઓના હળવા અંદાજમાં  ચિરાગ પટેલને ટેનિસ પ્રત્યેના તેમના પ્રેમ અને તેમના પિતા રોહિતભાઈ પટેલ અને દાદા પી ડી પટેલ વિશે પૂછ્યું; અને તેઓના બાળકોને સતત મહેનત કરતા રહેવા અને રમતમાં સફળતા હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા.

પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસે પ્રધાનમંત્રી સમક્ષ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના નિર્માણ અંગેની નવીનતમ માહિતી રજૂ કરી હતી. મંદિરની જટિલ કોતરણી, તેની ભવ્યતા અને તેમાંથી પ્રતિબિંબિત થતી સર્વસમાવેશક ઉદાત્ત ભાવનાઓ વિશે તેમણે જણાવ્યું, “ઉદઘાટન સમારોહની ક્ષણો સહસ્ત્રાબ્દીઓમાં ક્યારેક જોવા મળતી વિરલ ક્ષણો પૈકી હશે.”

જેમાં પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, “આ મંદિર વસુધૈવ કુટુંબકમના આદર્શને પ્રતિબિંબિત કરશે – એક એવું આદર્શ આધ્યાત્મિક સ્થાન, જે માત્ર માન્યતાઓ અને પરંપરાઓ જ નથી દર્શાવતું,  પરંતુ વિવિધ સંસ્કૃતિઓના સંગમરૂપ પણ છે.”

આ મુલાકાતની અંતિમ  ક્ષણોમાં  ભારતના આધ્યાત્મિક વિકાસ અને વૈશ્વિક આગેવાની માટે પ્રધાનમંત્રી શ્રી મોદીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસ બંનેએ વડાપ્રધાનના સ્વાસ્થ્ય અને તેઓના મહાન નેતૃત્વ અને દેશની સતત સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

પૂજ્ય સંતોએ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રધાનમંત્રીને અપાયેલ  અંગત આમંત્રણમાં ‘પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર મોદી સાહેબ” ના સંબોધનમાં પ્રતિબિંબિત થતા  પૂજ્ય મહંત સ્વામી મહારાજના  પ્રેમ અને આધ્યાત્મિક ભાવના વિશે વાત કરી હતી. આ સંબોધન પ્રધાનમંત્રીશ્રીએ સાધુ-સંતો પાસેથી સંપાદિત કરેલાં  અનન્ય સ્નેહ અને અનુગ્રહ વિશે ઘણું કહી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.