Western Times News

Gujarati News

શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા 12 દેશના પ્રતિનિધિઓ ખોડલધામની મુલાકાતે

મા ખોડલના દર્શન અને ધ્વજારોહણ વિધિમાં સહભાગી થઈ ધન્યતા અનુભવી

90 જેટલા વિદેશી ભક્તોએ ખોડલધામ મંદિરની મુલાકાત લીધી

કાગવડ: ખોડલધામ મંદિર હવે દેશ-વિદેશમાં જાણીતું બની ગયું છે. દૂર દૂરથી ભક્તો મા ખોડલના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે 17 ડિસેમ્બરના રોજ આશરે 90 જેટલા વિદેશી ભક્તો મા ખોડલના દર્શન માટે ખોડલધામ આવી પહોંચ્યા હતા. શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન સાથે જોડાયેલા વિવિધ 12 દેશના 90 જેટલા લોકો એક દિવસીય ખોડલધામની મુલાકાતે આવ્યા હતા. તમામ લોકો મા ખોડલના દર્શનની સાથે સાથે ધ્વજારોહણ વિધિમાં પણ સામેલ થયા હતા અને મંદિરની કલાકૃતિ અને ટ્રસ્ટની પ્રવૃતિ નિહાળીને ખૂબ જ પ્રભાવિત થયા હતા

ખોડલધામ મંદિરે દર્શન માટે દરરોજ હજારો ભક્તો આવી રહ્યા છે. જેમાં ઘણા ભક્તો અન્ય રાજ્ય અને અન્ય દેશમાંથી પણ આવી રહ્યા છે. ત્યારે 17 ડિસેમ્બરને મંગળવારના રોજ આશરે 90 જેટલા વિદેશી ભક્તો ખોડલધામની મુલાકાતે આવ્યા હતા. સમર્પણ ધ્યાન યોગ શિબિરના પ્રણેતા એવા શ્રી શિવકૃપાનંદ સ્વામી દ્વારા ચાલતા શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા અલગ અલગ 12 દેશના 90 જેટલા પ્રતિનિધિઓ મા ખોડલના દર્શન માટે ખોડલધામ મંદિર આવ્યા હતા.

સ્વિત્ઝરલેન્ડ, જર્મની, નેપાળ, યુએસએ, સિંગાપોર, દોહા-કતાર, કેનેડા, દુબઈ, વર્જિનિયા, મલેશિયા, યુકે સહિતના 12 દેશના 90 જેટલા લોકો હાલ 8 દિવસના ભારતના પ્રવાસે છે. ત્યારે તેઓ 17 ડિસેમ્બરના રોજ ખોડલધામ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. તમામ લોકોએ મા ખોડલના દર્શન કર્યા હતા. સાથે જ મંદિર પરિસરમાં ધ્વજારોહણ કાર્યક્રમમાં પણ જોડાયા હતા. તમામ વિદેશી ભક્તો ખોડલધામ મંદિર પરિસરમાં રાસ-ગરબે પણ રમ્યા હતા. ત્યારબાદ અન્નપૂર્ણાલયમાં મહાપ્રસાદ લીધો હતો. વિદેશી ભક્તોએ મંદિર પરિસરમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિને પણ નિહાળી હતી.

વિદેશથી ખાસ પધારેલા ભક્તોએ ખોડલધામ મંદિરની મુલાકાત બાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, ખોડલધામ મંદિરે આવીને અલગ જ પ્રકારનો અહેસાસ થયો. અહીંનું પ્રાકૃતિક વાતાવરણ પણ ખૂબ ગમ્યું. ખોડલધામ મંદિરની કલાકૃતિને પણ ખૂબ જ ઉત્કૃષ્ટ ગણાવી હતી.

ગત ઓગસ્ટ મહિનામાં શ્રી શિવકૃપાનંદ સ્વામી ખોડલધામની મુલાકાતે પધાર્યા હતા અને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા ત્યારે તેઓએ તેમના ફાઉન્ડેશન સાથે સંકળાયેલા વિદેશી પ્રતિનિધિઓને ખોડલધામ મંદિરની મુલાકાત લેવા માટે પ્રેરણા આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.