Western Times News

Gujarati News

રોડ-રસ્તાની ગુણવત્તા મામલે મુખ્યમંત્રીની માર્મિક ટકોર-મ્યુનિસિપલ તંત્ર માટે શરમજનક ઘટના

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં રોડ રસ્તાની ગુણવત્તા અને આયોજન બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કામગીરી સામે અવારનવાર સવાલ ઊભા થતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલા રોડ બનાવી દેવામાં આવે છે ત્યારબાદ ગટર અને પાણીની સમસ્યા થતા ફરીથી રોડ ખોદી નાખવામાં આવે છે

આમ, અણઘડ આયોજનને લઈ પ્રજાને હાલાકી પડતી હોય છે જે મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એક કાર્યક્રમમાં અધિકારીઓને માર્મિક ટકોર કરવામાં હતી. મુખ્યમંત્રી ની ટીકાનો લાભ લઇ મ્યુનિસિપલ વિપક્ષ દ્વારા તંત્ર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે રાજ્યના મુખ્યમંત્રીએ અધિકારીઓને રોડના ગુણવત્તા અને આયોજન બાબતે ટકોર કરવી પડે છે જે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો માટે શરમજનક બાબત કહી શકાય.

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે એવો આક્ષેપ કર્યો છે કે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એક કાર્યક્રમમાં વહીવટી તંત્રને ટકોર કરવામાં આવી છે કે વિકાસના કામો છે તેમાં ગુણવત્તા જળવાતી નથી. તંત્ર દ્વારા પહેલા રોડ બનાવવામાં આવે છે પછી પાણી કે ગટર ના કામ લઈ રોડ ખોદવામાં આવે છે. ત્યારબાદ મીલિંગ કરી યોગ્ય પદ્ધતિથી રોડ બનાવવામાં આવતો નથી.

જેના કારણે રોડની ગુણવત્તા જળવાતી નથી જેના માટે માત્ર વહીવટી તંત્રને જ નહીં પરંતુ સરકારને પણ સાંભળવું પડે છે. આમ સ્થાનિક વહીવટી તંત્રના આયોજનના અભાવ અને ગુણવત્તા ને લઈ ને સરકારને પણ જવાબ આપવો પડે છે.

રાજ્ય ના મુખ્યમંત્રી ઘ્‌વારા કદાચ પ્રથમ વખત આવી ટીકા-ટિપ્પણી કરવામાં આવી છે. પરંતુ વિપક્ષ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર રોડની ગુણવત્તા અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ હવે જયારે મુખ્યમંત્રીએ ખુદ કહેવું પડે છે ત્યારે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને ભાજપના સત્તાધીશો માટે આ એક શરમજનક બાબત કહી શકાય તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.