Western Times News

Gujarati News

ઢાકામાં ટ્રેનને આગ ચાંપતા પાંચનાં મોત થયા

ઢાકા, ચૂંટણી ટાણે જ બાંગ્લાદેશમાં હિંસા ભડકી છે. રાજધાની ઢાકામાં શુક્રવારે રાત્રે બદમાશોએ એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયાની પણ માહિતી છે. ઘટના રાત્રે ૯.૦૫ કલાકે બની હતી જેની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ૭ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઇ ગઈ હતી. બાંગ્લાદેશમાં ૭ જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે.

વડાપ્રધાન શેખ હસીના આ વખતે પણ દાવેદાર છે. ઘટના બાદ એક નિવેદન જારી કરીને વિદેશ મંત્રાલયે કહ્યું કે ઘટનાનો સમય સ્પષ્ટ કરે છે કે ચૂંટણીનો વિરોધ કરી રહેલા લોકો કોઈપણ રીતે લોકતાંત્રિક પ્રક્રિયાને ખલેલ પહોંચાડવા માંગે છે. દરમિયાન ઢાકા પોલીસ કમિશનર મોઈનુદ્દીને કહ્યું કે આ એવા લોકોની કાર્યવાહી છે જેઓ બાંગ્લાદેશમાં શાંતિપૂર્ણ ચૂંટણી નથી ઈચ્છતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ચૂંટણી પહેલા જાણી જાેઈને હિંસા કરવામાં આવી છે જેથી અશાંતિ ફેલાઈ શકે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ટ્રેનમાં કેટલાક ભારતીય મુસાફરો પણ સવાર હતા. આ ટ્રેન પશ્ચિમી શહેર જેસોરથી ઢાકા જઈ રહી હતી. બદમાશોએ પહેલા એક કોચમાં આગ લગાવી પરંતુ ધીરે ધીરે આગ ૫ કોચ સુધી ફેલાઈ ગઈ હતી. અગાઉ ૧૯ ડિસેમ્બરે એક ટ્રેનમાં આગ લાગી હતી જેમાં ૪ લોકોના મોત થયા હતા.
આ વખતે વિપક્ષે ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

આવી સ્થિતિમાં શેખ હસીના સતત પાંચમી વખત સત્તાના દ્વારા સુધી સરળતાથી પહોંચી શકશે. શેખ હસીના ૨૦૦૯થી દેશના પીએમ છે. માહિતી અનુસાર બાંગ્લાદેશમાં કુલ ૩૫૦ સીટો છે. જેમાં ૫૦ બેઠકો મહિલાઓ માટે અનામત છે. બાંગ્લાદેશની સંસદને હાઉસ ઓફ નેશન પણ કહેવામાં આવે છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.