Western Times News

Gujarati News

વડોદરામાં દોરીથી ઘાયલ થયેલા 458 પક્ષીઓને અપાઈ સારવાર-૩૬ વેટરનરી ડોક્ટર ખડેપગે

પશુપાલન, વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળે ૧૧ સારવાર કેન્દ્રો અને ૫૮ જેટલા રેસ્ક્યું કેન્દ્રો ઉભા કરાયા

ઘાયલ પક્ષીઓની સારવાર માટે ૩૬ વેટરનરી ડોક્ટર ખડેપગે

વડોદરા શહેર જિલ્લામાં તા.૨૦ જાન્યુઆરી સુધી ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

GVK EMRI ફરતા પશુ દવાખાના (MVD) પાંચ એમ્બ્યુલન્સ સાથે કરુણા એમ્બ્યુલન્સ મળીને કુલ સાત એમ્બ્યુલન્સ સેવામાં જોડાઈ

વડોદરા, વડોદરા શહેર જિલ્લામાં ઉતરાયણ નિમિત્તે ઘણા અબોલ પક્ષીઓ પતંગ-દોરીથી ઘાયલ થાય છે.જેને ધ્યાને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ૧૯૬૨ એમ્બ્યુલન્સ વાન અને ફરતા પશુ દવાખાના દ્વારા  કરુણા અભિયાન હેઠળ ઘાયલ પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ વડોદરા શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે  રાજ્યના પશુ પાલન, વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળે ૧૧ સારવાર કેન્દ્રો અને ૫૮ જેટલા  રેસ્ક્યું કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા.

ઉતરાયણના દિવસે વડોદરા શહેર જિલ્લામાં પતંગ દોરીથી ઘાયલ થયેલ ૪૫૮ જેટલા પક્ષીઓને સારવાર કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી હોવાનું ભૂતડી ઝાંપા સ્થિત સારવાર કેન્દ્રના ડો.વિમલ પટેલે જણાવ્યું હતું. ડો.પટેલે ઉમેર્યું કે ઘાયલ પક્ષીઓની સારવાર માટે ૨૧ વેટરનરી ડોક્ટર સહિત વેટરનરી કોલેજના ૧૫ જેટલા ઇન્ટર્નશીપ ડોક્ટર તૈનાત કરવામાં આવ્યા હતા.

પશુ અને પક્ષીઓની આરોગ્ય સંજીવની ગણાતી  ૧૯૬૨ એમ્બ્યુલન્સ વાન દિવસ રાત અબોલ પશુ અને પક્ષીઓની સારવાર માટે ખડે પગે હાજર રહે છે. ઉત્તરાયણ નિમિત્તે ધારદાર દોરીના કારણે ઘણા પક્ષીઓ ઘાયલ થતાં હોય છે જેમાં ખાસ કરીને કબૂતર, ઘુવડ અને સમડી જેવા પક્ષીઓની સંખ્યા વધુ હોય છે.

કરુણા અભિયાન-૨૦૨૪ અન્વયે વડોદરા શહેર જિલ્લામાં ૧૯૬૨ EMRI ગ્રીન હેલ્થ સર્વિસની કુલ ૭ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. રાજ્યમાં અબોલ પશુઓ માટે જીવાદોરી સમાન ગણાતી કરુણા એમ્બ્યુલન્સ (૧૯૬૨) અને ફરતું પશુ દવાખાનું, અસંખ્ય પશુ અને પક્ષીઓના જીવ બચાવી રહી છે.

દર વર્ષની જેમ આ વખતે પણ ઉતરાયણના પર્વ નિમિતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે તા.૨૦ જાન્યુઆરી સુધી રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં ફરતું પશુ દવાખાના (MVD) પાંચ એમ્બ્યુલન્સ સાથે કરુણા એમ્બ્યુલન્સ એમ મળીને કુલ સાત એમ્બ્યુલન્સ આ સેવામા જોડાઈ હતી.

આ સેવાઓ દ્વારા ઉતરાયણના દિવસે શહેર જિલ્લામાં કુલ ૪૫૮ પક્ષીઓની સારવાર કરી નવજીવન આપવામાં આવ્યું હોવાનું ડો.વિમલ પટેલે જણાવ્યું છે. ઉતરાયણના પર્વ એમ્બ્યુલન્સ વાન સાથે વેટરનરી ડોક્ટરની ટીમ પણ ખડે પગે રહી શહેર જિલ્લાના સારવાર કેન્દ્રોમાં કબૂતર ૩૯૩, મોટો સફેદ બગલો પાંચ, પોપટ ચાર, સમડી પાંચ, કાકણસાર ૧૨, ઘુવડ ત્રણ,કાગડા સાત, ટિટોળી ત્રણ,સફેદ કબૂતર ત્રણ, અને અન્ય ૧૪ ઘાયલ પક્ષીઓ સહિત કુલ ૪૫૮ પક્ષીઓની  નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા નિઃશુલ્ક સારવાર કરી અબોલ પક્ષીઓનો અમૂલ્ય જીવ બચવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.