Western Times News

Gujarati News

મુખ્યમંત્રીને મળેલી ભેટ-સોગાદો ખરીદી શકાશે

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે.

આ સંદર્ભે અમદાવાદ ખાતે તા.૨૦/૦૧/૨૦૨૪ સુધી પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે. આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજીત ૨૫ લાખની કિંમતની ૮૫૦ જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવનાર હોવાનું સીટી ડે.કલેકટર(પશ્ચિમ) ઉમંગ પટેલે જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમને વિવિધ કાર્યક્રમો કે પ્રવાસ દરમિયાન મળતી ભેટ સોગાદોને તોશાખાનામાં જમા કરાવીને તેના પ્રદર્શન અને વેચાણમાંથી થતી આવકનો વિવિધ લોકહિત અને જનકલ્યાણના કાર્યોમાં ઉપયોગ કરવાની ઉમદા પહેલ અમલમાં મૂકી હતી. તેમની આ પહેલને હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સુપેરે આગળ ધપાવી છે.

મુખ્યમંત્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અમદાવાદ ખાતે વસુલાત ભવન, સીટી ડે.કલેકટર(પશ્ચિમ)ની કચેરી, ગોતા, એસ.જી. હાઈવે ખાતે તા.૧૮/૦૧/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૪ દરમિયાન કચેરી સમય દરમિયાન રાખવામાં આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.