Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વિશ્વ બેંકની લોનની ચુકવણી ડોલરમાં કરશે

આગામી દાયકામાં તંત્રની તિજોરી પર મોટો આર્થિક બોજો આવે તેવી શક્યતા ઃ નવા એસટીપીનો કોઈ મતલબ રહેશે નહી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરની સુઅરેઝ સીસ્ટમને અપગ્રેડ કરવા માટે વિશ્વ બેંક તરફથી રૂ.૩ હજાર કરોડની લોન આપવા માટે પ્રપોઝલ મુકવામાં આવી હતી જેના માટે તંત્ર છેલ્લા ૩ વર્ષથી કવાયત કરી રહયું હતું. વિશ્વ બેંકની લોન માટે જે શરતો હતી તેને પરિપૂર્ણ કરવા માટે ઘણો સમય લાગ્યો છે જેના કારણે વિશ્વ બેંકની લોન મળવામાં અસહ્ય વિલંબ થયો છે.

હવે વિશ્વ બેંકની શરત મુજબ તેમના દ્વારા મંજુર કરવામાં આવેલ પ્રોજેકટ જાહેર કર્યા બાદ જ લોન આપવામાં આવશે સદર લોનની રકમ વિશ્વ બેંક તરફથી ડોલરમાં આપવામાં આવશે અને મ્યુનિ. કોર્પોરેશને તેની ચુકવણી પણ ડોલરમાં જ કરવાની રહેશે જે બાબત ભવિષ્યમાં મ્યુનિ. તિજોરી માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિશ્વ બેંકની લોનના સહારે વાસણામાં ૩૭પ એમએલડી ક્ષમતાનો નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે જેના માટે અંદાજે રૂ.૭૭૮ કરોડનો ખર્ચ થશે. સદર ટેન્ડર મંજુર થયા બાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તમામ વિગતો કેન્દ્ર સરકારના એકસટ્રનલ અફેર ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવશે

ત્યારબાદ બધુ સમુ સુથરુ પાર ઉતરે તો મ્યુનિ. કમિશ્નર, રાજયના ચીફ સેક્રેટરી એકસટ્રનલ અફેરના ઉચ્ચ અધિકારી તથા વિશ્વ બેંકના ઉચ્ચ અધિકારી દિલ્હીમાં એકત્રિત થઈ સદર રકમના એમઓયુ કરશે ત્યારબાદ જ આ રકમ મ્યુનિ. કોર્પોરેશનને આપવામાં આવશે. વિશ્વ બેંક તરફથી સદર રકમ અંદાજે ૪ ટકાના વ્યાજથી અપાશે તથા તમામ રકમ ડોલરમાં જ આપવામાં આવશે

જે રકમ મ્યુનિ. કોર્પોરેશને રૂપિયામાં કન્વર્ટ કરવાની રહેશે. વિશ્વ બેંકની શરત મુજબ લોનની રકમ ચુકવવાનો સમયગાળો ૧પ વર્ષનો રહેશે તે પૈકી પ્રથમ પાંચ વર્ષમાં કોઈ જ રકમ ચુકવવાની રહેશે નહીં. પાંચ વર્ષમાં ઈન્ફાસ્ટ્રકચર તૈયાર થયા બાદ છઠ્ઠા વર્ષથી મનપા દ્વારા લોનની ચુકવણી શરૂ કરવામાં આવશે. અહીં ચિંતાજનક બાબત એ છે કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લોન પેટે જે રકમ ચુકવવામાં આવશે તે ડોલરમાં હશે તથા તેનુ વ્યાજ પણ ડોલરમાં ચુકવવાનું રહેશે

જેના કારણે તંત્રને આ લોન અત્યંત મોંઘી પડશે તેમ માનવામાં આવી રહયું છે. ઉ.દા. તરીકે હાલ ડોલરનો ભાવ ૮૦ રૂપિયા ચાલી રહયો છે પરંતુ જયારે રિ પેમેન્ટ કરવાનું આવશે તે સમયે ડોલરનો ભાવ ૧૧૦ રૂપિયા હશે તો મનપાએ સદર રકમ ૧૧૦ રૂપિયા લેખે ડોલરમાં કન્વર્ટ કરીને જ વિશ્વ બેંકને ચુકવવાની રહેશે. તેથી વ્યાજની રકમ લગભગ બમણી થઈ શકે છે તેમજ રિ પેમેન્ટમાં પણ મોટાપાયે આર્થિક નુકસાન થવાની શકયતા રહેશે.

મ્યુનિ. કોંગ્રેસના નેતા શહેજાદ ખાન પઠાણના જણાવ્યા મુજબ વાસણામાં જે પ્લાન્ટ બનાવવામાં આવી રહયો છે તે અદ્યતન ટેકનોલોજીનો રહેશે તેમજ તેમાં ટ્રીટ થયેલ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવશે પરંતુ મ્યુનિ. શાસકો અને વહીવટીતંત્રના વડા એ બાબત ભુલી જાય છે કે ગુજરાત હાઈકોર્ટે તેના ચુકાદામાં ઢન્ડ્ઢ ટેકનોલોજી ઉપયોગ કરવા સ્પષ્ટ જણાવ્યું છે તેથી તંત્ર તરફથી જે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તે નિયમ વિરૂધ્ધની રહેશે. આ ઉપરાંત નવા પ્લાન્ટ બનાવવા કરતા જુના પ્લાન્ટ અપગ્રેડ કરવામાં આવે તો ઓછા ખર્ચમાં તૈયાર થઈ શકે છે તેમ નિષ્ણાંતો માની રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.