Western Times News

Gujarati News

એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરાયો

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સરકારે રાંધણ ગેસના ભાવમાં મોટો કાપ મૂક્યો છે. LPG સિલિન્ડરના ભાવમાં સીધો ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેનાથી ગૃહિણીઓને ચોક્કસ આનંદ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશે Âટ્‌વટર પર માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે અમારી સરકારે જનતા પરનો બોજ ઘટાડ્યો છે. એલપીજીના ભાવમાં ઘટાડાના કારણે નારી શક્તિનું જીવન સરળ બનશે. તથા કરોડો પરિવારો પર આર્થિક બોજમાં ઘટાડો થશે. મોદીએ લખ્યું છે કે આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે.

અગાઉ પણ મોદી સરકારે કેટલાક મહત્ત્વના દિવસો પર એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. રક્ષાબંધનના અવસર પર રાંધણ ગેસ સિલિન્ડર (૧૪.૨ કિગ્રા)ના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે સમયે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે ઓણમ અને રક્ષાબંધનના તહેવારે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ રીતે પીએમ મોદીએ બહેનોને મોટી ભેટ આપી છે.

LPGના ભાવમાં ઘટાડો થવાથી દેશના ૩૩ કરોડ ગ્રાહકોને તેનો ફાયદો થશે. ભારત સરકારે ગરીબ પરિવારોને એલપીજી કનેક્શન આપવા માટે ઉજ્જવલા યોજના અમલમાં મૂકી છે જેમાં અત્યાર સુધીમાં ૯.૫ કરોડથી વધુ LPG ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.

૧ મે ૨૦૧૬ના રોજ ઉત્તર પ્રદેશમાં આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાની સબસિડી પર નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સરકારે કુલ રૂ. ૬,૧૦૦ કરોડનો ખર્ચ કર્યો હતો. આ યોજનામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સબસિડી ડાયરેક્ટ જમા કરવામાં આવે છે.

સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે ગરીબ મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ પહેલી એપ્રિલથી એલપીજી સિલિન્ડર પર ૩૦૦ રૂપિયાની સબસિડી વધુ સમય માટે લંબાવવામાં આવશે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં સરકારે ઉજ્જવલા સ્કીમ હેઠળ સબસિડી ૨૦૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરથી વધારીને ૩૦૦ રૂપિયા કરી હતી અને આ લાભ એક વર્ષમાં વધુમાં વધુ ૧૨ સિલિન્ડર માટે છે. ૩૧ માર્ચે ૩૦૦ રૂપિયાની સબસિડીનો લાભ પૂરો થવાનો હતો, પરંતુ હવે તેને એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

પીએમ મોદીએ બીજી એક Âટ્‌વટમાં લોકોને આંતરરાષ્ટ્રીય મહિલાદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે અમે નારી શક્તિની હિંમતને સલામ કરીએ છીએ અને તેમણે જુદા જુદા ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓને બિરદાવીએ છીએ. અણારી સરકાર શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા અને કૃષિ માટે મહિલાઓને સક્ષમ બનાવવા પ્રતિબદ્ધ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.