Western Times News

Gujarati News

તમામ નાગરિકને સરકારના નિર્ણયની ટીકા કરવાનો અધિકાર

Supreme court of India

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશના દરેક નાગરિકને સરકારના નિર્ણયોની ટીકા કરવાનો અધિકાર છે. કલમ ૩૭૦ નાબૂદ કરવાની ટીકા કરતી વ્હોટ્‌સએપ પોસ્ટના સંબંધમાં પ્રોફેસર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ્દ કરવાનો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

પ્રોફેસર જાવેદ અહેમદ હઝમ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩છ (સાંપ્રદાયિક દ્વૈષને પ્રોત્સાહન આપવી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેમને બોમ્બે હાઈકોર્ટમાંથી આ સંબંધમાં રાહત મળી ન હતી. પ્રોફેસર જાવેદે વોટ્‌સએપ પર પોસ્ટ કરી હતી.

૫મી ઓગસ્ટ – જમ્મુ અને કાશ્મીર માટે કાળો દિવસ અને ૧૪મી ઓગસ્ટ – પાકિસ્તાનને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. આ બંને પોસ્ટને વાંધાજનક ગણીને તેમની સામે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દરેક નાગરિકને તેમના સ્વતંત્રતા દિવસ પર કોઈપણ અન્ય દેશને અભિનંદન આપવાનો અધિકાર છે.

જો ભારતનો નાગરિક ૧૪મી ઓગસ્ટે પાકિસ્તાનના નાગરિકોને તેમના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવે તો તેમાં કંઈ ખોટું નથી. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઇયાંની ખંડપીઠે કહ્યું હતું કે, ભારતનું બંધારણ કલમ ૧૯(૧)(એ) હેઠળ તેના નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ગેરન્ટી આપે છે.

આ ગેરંટી હેઠળ દરેક નાગરિકને અધિકાર છે કે તે કલમ ૩૭૦ને ખત્મ કરવાના અથવા રાજ્યના તમામ નિર્ણયની ટીકા કરે. તેમને એ કહેવાનો પણ અધિકાર છે કે તેઓ રાજ્યના નિર્ણયથી ખુશ નથી. દરેક નાગરિકને જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં ફેરફારની ટીકા કરવાનો પણ અધિકાર છે. કલમ ૩૭૦ નાબૂદ કરવાના દિવસને કાળો દિવસ કહેવો એ પ્રતિકાર અને ગુસ્સાની અભિવ્યક્તિ છે.

કોર્ટે કહ્યું હતું કે જો સરકારના નિર્ણયોની દરેક ટીકા અથવા વિરોધને કલમ ૧૫૩છ હેઠળ ગુનો બનાવવામાં આવશે તો લોકશાહી ટકી શકશે નહીં. અસંમતિનો અધિકાર એ બંધારણની કલમ ૧૯(૧)(ટ્ઠ) હેઠળ આપવામાં આવેલી ગેરન્ટી હેઠળ માન્ય અને કાનૂની અધિકાર છે.

દરેક વ્યક્તિએ બીજાના અસંમતિના અધિકારનો આદર કરવો જોઈએ. સરકારી નિર્ણયો સામે શાંતિપૂર્ણ વિરોધ એ લોકશાહીનો આવશ્યક ભાગ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.