Western Times News

Gujarati News

મુદ્રક અને પ્રકાશકના નામ ન હોય એવા ચૂંટણીને લગતાં ચોપાનિયાં કે ભીંતપત્રો છાપી શકાશે નહીં

અમદાવાદ ખાતે રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ શ્રી રવીન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને પ્રિન્ટિંગ પ્રેસના માલિકો- સંચાલકો સાથે બેઠક યોજાઈ

અમદાવાદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ માટે અમદાવાદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર- પ્રસાર દરમિયાન રાજકીય પક્ષો દ્વારા પ્રકાશિત કરવામાં આવતાં

પોસ્ટર, બેનર્સ, પેમ્ફલેટ સહિતના સાહિત્યના પ્રકાશનમાં તેના લખાણ સહિતની બાબતોમાં આદર્શ આચારસંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ શ્રી રવીન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને પ્રિન્ટિંગ પ્રેસના માલિકો- સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકોને રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ શ્રી રવીન્દ્ર ખતાલેએ સૂચના આપતાં જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિ ચૂંટણીને લગતી પત્રિકાઓ અથવા પોસ્ટરો ઉપર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીલક્ષી ચોપાનિયાં કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેના પ્રકાશકની ઓળખ વિશેના પોતે સહી કરેલા

અને પોતાને અંગત રીતે ઓળખતી હોય એવી બે વ્યક્તિઓએ શાખ કરેલા એકરારની બે પ્રતો તેણે મુદ્રકને આપી ન હોય ત્યાં સુધી ચૂંટણી પત્રિકાઓ અથવા પોસ્ટરો છાપી શકાશે નહીં.

તેમણે કહ્યું કે આ પોસ્ટર અથવા પત્રિકા છપાયા બાદ વાજબી સમયમાં મુદ્રકે દસ્તાવેજની એક નકલ સાથે એકરારની એક નકલ રાજ્યના પાટનગરમાં છાપવામાં આવ્યા હોય ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીને અને બીજા કોઈ જિલ્લામાં તે છાપવામાં આવ્યા હોય

તો જે તે જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવાની રહેશે. આ અંગે નિભાવવાના થતા રજિસ્ટર અને નિયત નમૂનાઓ અંગે વિગતો આપી તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. તે ખર્ચની વિગતો નિયત રીતે નિભાવવામાં આવે અને પ્રિન્ટિંગ થનાર સાહિત્યના ખર્ચની માહિતી પણ આ સાથે નિયત નમૂનાઓમાં જોડવાની રહેશે. આ બેઠકમાં પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકો-માલિકો અને ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.