Western Times News

Gujarati News

સઘન સુરક્ષાની વચ્ચે કાલથી કાંકરિયા કાર્નિવલનો શુભારંભ

રંગબેરંગી અને ભવ્ય કાર્યક્રમો વચ્ચે કાર્નિવલનું ઉદ્‌ઘાટન કરાશે: બાળકોના માટે શ્રેણીબદ્ધ મુખ્ય આકર્ષણો રહેશે: ૩૧ ડિસેમ્બર સુધી કાર્નિવાલ ચાલશે

અમદાવાદ, જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે કાંકરિયા કાર્નિવલની આવતીકાલથી અમદાવાદ શહેરના કાંકરિયા લેકફ્રન્ટમાં શરૂઆત થઇ રહી છે. રંગારંગ કાર્યક્રમ વચ્ચે આની શરૂઆત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. લોકોની સહાયતા માટે પોલીસ ડેસ્ક કોઇપણ ઇમરજન્સી માટે સ્થાપિત કરવામાં આવી ચુક્યા છે. સુપરવિઝન માટે કાંકરિયા લેકફ્રન્ટ પર ૨૮ વોચ ટાવર ગોઠવવામાં આવ્યા છે. લાપત્તા બાળકોને શોધી કાઢવા માટે વિશ્વ કુંજ ગેટ નજીક પોલીસ કન્ટ્રોલ રુમ ગોઠવવામાં આવ્યો છે. આ કન્ટ્રોલરુમ સીધીરીતે સીટી કન્ટ્રોલ રુમ સાથે જોડાશે. સીસીટીવી કેમેરા સાથે ૧૧ પાર્કિગ વિસ્તાર બનાવવામાં આવ્યા છે.

સીસીટીવીની મદદથી વાહનોની ચોરીને રોકી શકાશે. ટ્રાફિકની કોઇ તકલીફ ન પડે તે માટે લેકફ્રન્ટ તરફ દોરી જતાં માર્ગો ઉપર સાઈન બોર્ડ મુકાયા છે. કોઇપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. કાંકરિયા લેકફ્રન્ટના વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આવતીકાલે કાંકરિયા કાર્નિવલની શરૂઆત થયા બાદ સાત દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમો યોજાશે. શહેરના કાંકરીયા લેકફ્રન્ટ ખાતે આવતીકાલથી શરૂ થઈ રહેલા કાંકરીયા કાર્નિવલ દરમ્યાન ઘણી જગ્યાએ ઈ-વોલેટથી નાણાં ચુકવવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.

આ અંગે મળતી માહીતી મુજબ,સાત દિવસ સુધી ચાલનારા રંગારંગ કાર્નિવલ દરમ્યાન અનેક વિવિધ કલાકારો દ્વારા કાર્યક્રમો રજુ કરવામાં આવનાર છે. વિવિધ વાનગીઓને આવરી લેતા ફૂડ ફેસ્ટીવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે લગભગ ૨૫ લાખ લોકો આ કાર્નિવલની મુલાકાત લેતા હોય છે.આ સાત દિવસ દરમ્યાન મુલાકાતીઓને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે.

કાર્નિવલમાં રોક બેન્ડ, ગુજરાતી–હીન્દી પ્લેબેક સંગીત ઉપરાંત આતશબાજી,થીમ લાઈટીંગ,લેસર-શો જેવા કાર્યક્રમોનું આયોજન કરરવામાં આવે છે. જુદી જુદી થીમ સાથે મલ્ટીકલર લેસર શો આ વખતનું આકર્ષણ બની રહેશે. ગુજરાતના ગરબા ઉપરાંત રાજસ્થાનના તેરા તાલ અને ઘુમ્મર, પંજાબનું ગીધા અને ભાંગડા,પશ્ચિમ બંગાલનું દુર્ગા નૃત્ય પણ હાજર રહેનાર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.આ કાર્નિવલનો આરંભ ૨૫મી તારીખે સાંજે રાજ્યના મુખ્યયમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરાવવામાં આવશે. અત્રે નોંધનીય છે કે,આ કાર્નિવલ દરમ્યાન બાળકોને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિનામુલ્યે દુધ પણ આપવામાં આવે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કાર્નિવલની મુલાકાતે આવનારા મુલાકાતીઓને વાહન પાર્ક કરવાની તકલીફ ન રહે એ માટે મલ્ટીલેવલ પાર્કિગમાં વ્યવસ્થા આપવામાં આવશે.

કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસે આવતીકાલે આશરે સાંજે સાત વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચશે. આગમન સમય કલાકારોના ગ્રુપ દ્વારા વિવિધ સંગીત વાદ્યો તથા રંગબેરંગી ફુગ્ગાઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવશે. કાંકરિયા કાર્નિવલમાં આ વખતે કોઇપણ વ્યક્તિ તમાકુની ચીજવસ્તુ સાથે પહોંચી શકશે નહીં. સાથે સાથે શરાબ પીને પણ કોઇ વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં. દરેક ગેટ ઉપર આને રોકવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વાંધાજનક સ્થિતિમાં કોઇ વ્યક્તિ ઝડપાશે તો કાયદાકીય કાર્યવાહી કરાશે. પોલીસ સુત્રોએ કહ્યું છે કે, આ વખતે તમાકુની ચીજવસ્તુઓ કાર્નિવલ હેઠળ રાખી શકાશે નહીં. એક અલગ પ્લેટફોર્મ લોકોમાં જાગૃત્તિ જગાવવા માટે સ્થાપિત કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.