Western Times News

Gujarati News

કોહલી સ્ટ્રાઇક રેટ કરતાં ઉપર છે, વર્લ્ડ કપમાં રમવું જોઇએઃ લારા

વિરાટ કોહલી વર્તમાન ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સારા ફોર્મમાં છે

મહાન ક્રિકેટર બ્રાયન લારાના મતે ટી૨૦ વર્લ્ડ કપમાં વિરાટ કોહલી રમશે તેમાં શંકા નથી

નવી દિલ્હી, વિરાટ કોહલી વર્તમાન ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સારા ફોર્મમાં રમી રહ્યો છે. તેની રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ટુર્નામેન્ટમાં લગભગ તળિયે પહોંચી ગઈ છે પરંતુ અંગત પ્રદર્શનમાં કોહલી અગ્રેસર છે. તેણે તાજેતરમાં જ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ૬૭ બોલમાં સદી ફટકારી હતી. જે આઇપીએલના ઇતિહાસની સૌથી ધીમી સદી હતી. અગાઉ મનીષ પાંડેએ પણ ૬૭ બોલમા સદી ફટકારી હતી. જોકે વર્તમાન સિઝનમાં કોઈ પણ ટીમ માટે આ પ્રથમ સદી હતી. એ જ મેચમાં જોઝ બટલરે ૫૮ બોલમાં સદી ફટકારીને રાજસ્થાન રોયલ્સને છ વિકેટે વિજય અપાવ્યો હતો.

આમ આ આઇપીએલમાં માત્ર બે સદી નોંધાઈ છે અને બંને સદી એક જ મેચમાં જોવા મળી હતી. બ્રાયન લારાએ જણાવ્યું હતું કે ટી૨૦ મેચમાં સ્ટ્રાઇક રેટ બેટ્‌સમેનની પોઝિશન પર આધાર રાખે છે. એક ઓપનર માટે ૧૩૦થી ૧૪૦નો રેટ બરાબર કહેવાય પરંતુ તમે મિડલ ઓર્ડરમાં રમવા આવતા હો તો આ રેટ ૧૫૦થી ૧૬૦ની આસપાસનો હોવો જોઇએ. જોકે આ વખતે તો આઇપીએલમાં ઇનિંગ્સના અંતિમ તબક્કામાં ૨૦૦+ નો સ્ટ્રાઇક રેટ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ કોહલી પાસે હંમેશાં ૧૩૦ની આસપાસના રેટથી રમવાની તક રહેલી હોય છે અને તે છેક સુધી રમે તો ૧૬૦ ઉપર પણ પહોંચી શકે છે પરંતુ વિરાટ કોહલી હવે સ્ટ્રાઇક રેટથી ઉપર પહોંચી ગયો છે.

તેની બેટિંગ અને તેની ઉપસ્થિતિથી જ ટીમ મજબૂત બની જતી હોય છે તેમ બ્રાયન લારાએ ઉમેર્યું હતું. લારાએ વધુમાં જણાવ્યું હતું કે મારા મતે આગામી ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલ મોખરાના ત્રણ બેટ્‌સમેન તરીકે હોવા જોઈએ. તેઓ આ વખતે આઇપીએલમાં ગમે તેવું પ્રદર્શન કરે પણ તેઓ ટીમમાં હોવા જરૂરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ ટીમ વર્કથી જ ટીમની સમીક્ષા કરી શકાય. વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્‌સમેન અને ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં ૪૦૦ રન કરનારા એક માત્ર બેટ્‌સમેન બ્રાયન લારાએ જણાવ્યું હતું કે ટી૨૦ વર્લ્ડ કપમાં રોહિત શર્માની સાથે વિરાટ કોહલી ઓપનિંગ કરે તે એક લલચમણો વિકલ્પ છે પરંતુ ભારત એક અનુભવી બેટ્‌સમેનની સાથે એક યુવાન અને પ્રતિભાવંત બેટ્‌સમેનને ઉતારે તે યોગ્ય વિકલ્પ ગણાશે.

મારા મતે રોહિતની સાથે કોહલી જેવા બેટ્‌સમેન વેસ્ટ ઇન્ડિઝ સામે ઓપનિંગ કરશે તો ભારતની સ્થિતિ વધારે મજબૂત બની જશે પરંતુ મારું માનવું છે કે એક યુવાન બેટ્‌સમેનને ઇનિંગ્સનો પ્રારંભ કરવાની જવાબદારી સોંપવામાં આવે તો તે બહેતર રહેશે કેમ કે એક અનુભવી બેટ્‌સમેન મિડલ ઓર્ડરમાં રમવા આવીને પણ ટીમનો રેટ વધારે બહેતર બનાવી શકે છે તેમ લારાએ ઉમેર્યું હતું. આ સાથે લારાનો સંકેત યુવાન યશસ્વી જયસ્વાલ તરફ હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.