Western Times News

Gujarati News

જે મામાએ ખોળામાં બેસાડી રમાડ્યો હતો તે ભાણેજે હથોડા મારી હત્યા કરી

પ્રતિકાત્મક

મામાની દીકરીને જ ભગાડી ગયા બાદ ભાણેજે શૈતાન બનીને બે મામાના માથામાં હથોડા ઝીંકી દીધા

સુરત, સુરતમાં હત્યાનો આગળ વધતો સિલસિલો સોમવારે ભાણેજના હાથે મામાની હત્યા સુધી પહોંચ્યો હતો. સગા ભાણેજે બે મામા પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં એક મામાનું મોત થયું હતું. પ્રેમસંબંધમાં મામાની દીકરીને જ ભગાડી ગયેલા ભાણેજને મામાએ મારી દીકરી ક્યાં છે, તે સવાલ કરતાં જ ભાણેજે ક્રૂરતાથી મામાને માથામાં હથોડા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરના નસીતપુર ગામમાં પ૦ વર્ષીય મનસુખ જસમત વાઘેલા પરિવાર સાથે રહે છે. મનસુખભાઈ ખેતમજૂરી કરે છે.તેમનો નાનો ભાઈ ૪પ વર્ષીય બાબુભાઈની દીકરીને તેમની જ બહેનના દીકરા વિશાલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. ર૦ દિવસ પહેલાં વિશાલ બાબુભાઈની દીકરીને ભગાડી ગયો હતો.

બન્ને ભાઈઓ દીકરીને શોધી લાવ્યા હતા અને ૮ જ દિવસમાં પરિણાવી દીધી હતી. દરમિયાન લગ્નના ૭ દિવસ બાદ દીકરી સાસરેથી ગાયબ થઈ ગઈ હતી. એટલે વિશાલ જ ફરી ભગાડી ગયો હોવાની આશંકા સાથે શોધખોળ હાથ ધરી હતી. વિશાલ સુરતમાં હોવાથી બન્ને મામા તેમના દીકરા વિક્રમ સાથે સુરત આવ્યા હતા. વિશાલ અને તેમની દીકરી પુણાગામમાં નીલગરી વસાહતમાં રહેતી હોવાની માહિતીને આધારે શોધખોળ હાથ ધરી હતી.

વિશાલ પાસે પહોંચી બન્ને મામાએ દીકરી ક્યાં છે ? એવું પૂછયું હતું. આ સવાલ સાંભળી વિશાલ ગુસ્સે ભરાયો હતો અને વિશાલ સહિત સાત લોકોએ મનસુખભાઈ, બાબુભાઈ અને તેમના દીકરા વિક્રમ પર હથોડા સહિતના હથિયારો લઈ હુમલો કર્યો હતો. મનસુખભાઈના શરીર પર એટલા ઘા માર્યા કે તેમનો ચહેરો ઓળખી શકાતો નથો. તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

જ્યારે બાબુભાઈના પણ માથા પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાબુભાઈને સારવાર અર્થે ૧૦૮માં હોસ્પિટલમાં ખસેડયા હતા. ઘટના અંગેની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મનસુખભાઈના પુત્ર રાજેશ વાઘેલાએ કહ્યું કે, ભાણેજ વિશાલે બન્ને મામા પર હુમલો કર્યો હતો. એક મામાને મોટને ઘાટ ઉતારી દીધા છે અને બીજા મામાની હોસ્પિટલમાં હાલત ગંભીર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.