Western Times News

Gujarati News

છેલ્લાં ત્રણ વર્ષથી પ્રોપર્ટી ટેક્સમાં રાહત મેળવતા બોપલ-ઘુમાના લોકોને આ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં રિબેટનો લાભ નહીં મળે

બોપલ-ઘુમાના નાગરિકોએ હવે પૂરેપૂરો પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે

(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરાયેલી બોપલ-ઘુમા નગરપાલિકા, સનાથલ, વીસલપુર, અસલાલી, ગેરતનગર, ખોડિયારનગર ગ્રામ પંચાયત જેવા વિસ્તારમાં રહેતા હજારો પ્રોપર્ટી ટેકસના કરદાતાઓને તંત્ર દ્વારા છેલ્લા ત્રણ નાણાકીય વર્ષથી પ્રોપર્ટી ટેકસબિલમાં ૭પ ટકા સુધીનું વળતર અપાયું હતું.

જોકે ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-રપમાં આ તમામ વિસ્તારમાં રહેતા પ્રોપર્ટી ટેકસધારકોએ ક્ષેત્રફળ આધારિત નવી પદ્ધતિ મુજબનો પૂરેપૂરો ટેકસ ભરવો પડશે.

ગત તા.૧૮ જૂન, ર૦ર૧એ ઔડા હેઠળની બોપલ-ઘુમા નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવી દેવાઈ હતી. તંત્ર દ્વારા બોપલ-ઘુમા નગરપાલિકાને બોડકદેવ, જોધપુર અને થલતેજ વોર્ડમાં વહેંચી દેવાઈ હતી.

ગત નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧નો પ્રોપર્ટી ટેકસ જૂની નગરપાલિકામાં જ ભરપાઈ કર્યો હોઈ બોપલ-ઘુમાવાસીઓએ પ્રમાણમાં ઓછો ટેકસ ભર્યો હતો, પરંતુ વર્ષ ર૦ર૧-રરના પ્રોપર્ટી ટેકસબિલમાં સ્વચ્છતા સેસ ચૂકવવો પડ્યો હતો, જોકે તે નાણાકીય વર્ષના બિલમાં મ્યુનિ. સત્તાવાળાઓએ પ્રોપર્ટી ટેકસના બિલમાં ૭પ ટકાનું માતબર વળતર આપ્યું હતું.

અગાઉ તા.૧૪ ફેબ્રુઆરી, ર૦૦૬એ ઔડા હેઠળની સાત નગરપાલિકા અને તા.ર૦ જુલાઈ, ર૦૦૬થી વધુ ૧૦ નગરપાલિકા અને ૩૦ ગ્રામ પંચાયતોનો મ્યુનિ. કોર્પોરેશનમાં સમાવેશ કરાયો હતો. તે વખતે અગાઉના નવા વિસ્તારોને પ્રોપર્ટી ટેકસબિલમાં જે તે નગરપાલિકા, ગ્રામ પંચાયતના વર્ષ ર૦૦૬-૦૭ના ટેકસની રકમ કરતા વધારે થતી હોઈ તેવા કિસ્સામાં બંનેના તફાવતમાં વળતર અપાયું હતું તેમજ ર૦૦૭-૦૮માં ૭પ ટકા, ર૦૦૮-૦૯માં પ૦ ટકા, ર૦૦૯-૧૦માં રપ ટકા અને વર્ષ ર૦૧૦-૧૧માં ક્ષેત્રફળ આધારિત નવી પદ્ધતિ મુજબ સત્તાવાળાઓએ પૂરેપૂરો પ્રોપર્ટી ટેકસ લીધો હતો.

બોપલ-ઘુમા નગરપાલિકા સહિતના નવા વિસ્તારો માટે તંત્રએ આવી જ પદ્ધતિ અપનાવી છે, જેના કારણે છેલ્લાં ત્રણ વર્ષમાં અપાયેલા વળતરને જો જોઈએ તો વર્ષ ર૦ર૧-રરમાં ૭પ ટકા, ર૦રર-ર૩માં પ૦ ટકા અને ર૦ર૩-ર૪માં રપ ટકા વળતર અપાયું હતું. છેલ્લા નાણાકીય વર્ષમાં એટલે કે ર૦ર૩-ર૪માં પ્રોપર્ટી ટેકસમાં રપ ટકાનું વળતર મેળવનારા બોપલ-ઘુમાના રહેવાસીઓએ ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-રપથી ક્ષેત્રફળ આધારિત નવી પદ્ધતિ મુજબનો પૂરેપૂરો ટેકસ ચુકવવો પડશે.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા બોપલ-ઘુમા નગરપાલિકા વિસ્તારના પ્રોપર્ટી ટેકસ ધારકોને આકરા પ્રોપર્ટી ટેકસ બિલથી બચાવવા સળંગ ત્રણ વર્ષથી ક્રમશઃ ૭પ ટકા, પ૦ ટકા અને રપ ટકાનું વળતર આપવામાં આવ્યું હતું. જોકે યુઝર્સ ચાર્જમાં એક પણ રૂપિયાનું વળતર અપાયું નહોતું એટલે કે રહેણાંક વિસ્તાર માટે વર્ષે રૂ.૩૬પ અને બિનરહેણાંક માટે વર્ષે રૂ.૬૩૦નો યુઝર્સ ચાર્જ કે સ્વચ્છતા સેસ ચૂકવવો પડયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.