Western Times News

Gujarati News

અમદાવાદમાં હવે નશા માટે કેમિકલવાળી જીવલેણ તાડીનું થતું ધૂમ વેચાણ

અમદાવાદ, અમદાવાદમાં હવે દેશી દારૂના બદલે તાડીમાં જીવલેણ કેમિકલ ભેળવીને નશા માટે પીણું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ જીવલેણ તાડીનો વેપલો કરતા બે મોતના સોદાગરો સામે અમદાવાદ પીસીબીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મોતના સામાનનો મોટો જથ્થો પણ કબજે લીધો છે. પોલીસે નારોલમાંથી તાડી અને કેમિકલનો જે જથ્થો કબજે લીધો છે તે જોતાં તાડીમાં થોડું વધારે કેમિકલ ઉમેરાય તો તે મોતનો સામાન બની જાય છે. અગાઉ રામોલમાં પણ કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબીના ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરીની ટીમ નારોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે નારોલ કલર ટેક્સટાઇલ્સ કંપનીની પાછળના ભાગમાં તાડી સાથે કેમિકલ ઉમેરીને મોટા પ્રમાણમાં વેચાણ થાય છે.

બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો. જો કે તાડીના વેપારીઓ ભાગી ગયા હતા. સ્થળ પર તપાસ કરતા પોલીસને તાડીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સાથેસાથે પીળા રંગનું દાણેદાર કેમિકલ અને એક કિલો જેટલો સફેદ પાવડર મળી આવ્યો હતો.

પીળા રંગના કેમિકલ અને પાવડરને તાડીમાં ઉમેરીને બૂટલેગરો દ્વારા સ્થાનિક વિસ્તારમાં વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે જપ્ત કરેલું કેમિકલ એટલું જોખમી હોય છે કે તેનું થોડું પ્રમાણ વધી જાય તો વ્યક્તિનો જીવ જઇ શકે છે.

પરંતુ, દેશી દારૂ કરતા તાડી સસ્તી હોવાની સાથે આસાનીથી મળી જતી હોવાથી બૂટલેગરો તેમાં કેમિકલ ઉમેરીને દારૂની જગ્યાએ નશા માટે વેચાણ કરતા હતા. આ અગાઉ રામોલ વિસ્તારમાંથી પીસીબીએ આ કેમિકલનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.

જે હૈદરાબાદથી લાવવામાં આવ્યો હતો. આ અંગે પીસીબીએ દિનેશ ચુનારા અને દિલીપ ચુનારા નામના પિતા પુત્ર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પીસીબીની ટીમે અત્યારસુધી શહેરમાંથી તાડીના ત્રણ કન્સાઈનમેન્ટ પકડ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.