Western Times News

Gujarati News

નારોલ-નરોડા હાઈવે પરનાં દબાણો ક્યારે હટશે? વાહનચાલકો પરેશાન

ફાઈલ

મ્યુનિ.તંત્ર દ્વારા દબાણોને હટાવવાની સંબંધિત વિભાગને તાકીદ કરાઈ

(એજન્સી)અમદાવાદ, બુધવારે નડિયાદ નજીક ખોટકાયેલા ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ૧૦ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી છે. આની સાથે અમદાવાદથી વડોદરા વચ્ચે સીટીએમ ચાર રસ્તાથી દોડતાં ખાનગી વાહનો બાબતે પણ અનેક સવાલો ઊઠ્યા છે.

નારોલ-નરોડા નેશનલ હાઈવે પરનાં સીટીએમ ચાર રસ્તા પર ખાનગી વાહનોનાં દબાણે પણ મ્યુનિસિપલ કોર્પાેરેશનનું ધ્યાન ખેંચ્યું છે. નેશનલ હાઈવેના ખેંચ્યું છે. નેશનલ હાઈવેના આ પટ્ટા પર ઠેરઠેર ટ્રક તેમજ નાનાં-મોટાં વાહનો અને લારી-ગલ્લાંના દબાણો જોવા મળે છે. આના કારણે અતિવ્યસ્ત એવા આ નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પિકઅવર્સમાં ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. વાહનચાલકોને આ દબાણો એટલી હદે નડે છે એક કલાકનો રસ્તો કાપવામાં પિકઅવર્સ દરમિયાન બમણો સમય લાગી જાય છે.

નારોલ-નરોડા નેશનલ હાઈવે શહેરીજનો માટે અગત્યનો રોડ છે. નારોલ-નરોડા નજીક વચ્ચે લાખો લોકો રહે છે અને આ રસ્તા પર બીઆરટીએસ કોરિડોર બનાવાયેલો છે. જેમાં પેસેન્જર્સથી હકડેઠઠ ભરાયેલી બીઆરટીએસની બસ અવરજવર કરતી હોય છે. આ રસ્તા પર પેસેન્જર માટે એએમટીએસ બસની સેવા પણ ઉપલબ્ધ છે, તેમ છતાં ઠેરઠેર ચાર રસ્તા પર ખાનગી શટલ રિક્ષાઓનો રાફડો જોવા મળે છે.

નારોલ-નરોડા વચ્ચે સતત ખાનગી શટર રિક્ષાઓ દોડતી રહે છે. આ શટલ રિક્ષાનાં દબાણો પણ ટ્રાફિકની અવરજવરને નડતરરૂપ બનતાં આવ્યાં છે. જોકે અનેક વખત લોકો એએમટીએસ અને બીઆરટીએસની બસમાં બેસવાના બદલે પોતાના ઘરે કે નોકરી-ધંધાના સ્થળે પહોંચવા માટે શટલ રિક્ષા પકડવાનું વધુ સરળ માને છે.

બીજી તરફ ગુજરાત હાઈકોર્ટના નિર્દેશથી શહેરના વીઆઈપી રોડ પરનાં દબાણો હટાવીને ટ્રાફિકની અવરજવરને વધુ સરળ બનાવવા માટે મ્યુનિસિપલ તંત્ર પ્રયત્નશીલ છે. રસ્તા પર આડેધડ પાર્ક કરાયેલી રિક્ષાઓ, ટુ વ્હીલર અને ફોર વ્હીલરને મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ તાળાં મારી દે છે અને જે તે વાહનચાલકો પાસેથી આકરો દંડ પણ વસૂલે છે. બંધ હાલતમાં પડેલાં વાહનોને સત્તાવાળાઓ જપ્ત પણ કરે છે. વીઆઈપી રોડની આસપાસના સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ તંત્રની આ ઝુંબેશને બિરદાવી છે.

હવે મ્યુનિસિપલ સત્તાધીશો નારોલ-નરોડા નેશનલ હાઈવે પરનાં દબાણોને દૂર કરવા માટે ગંભીર બન્યા છે. આ માટે સંબંધિત અધિકારીઓને કડક આદેશ અપાઈ ગયો છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ દિશામાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.