Western Times News

Gujarati News

15 લાખના ગાંજાના છોડ-જથ્થા અને MD ડ્રગ્સ સાથે 3 આરોપીઓ ઝડપાયા

ભરૂચ જિલ્લા પોલીસે ૩ લોકોને ઝડપી પાડી ૧૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો -અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગાંજાના છોડનું વાવેતર કરનાર તો એસઓજી પોલીસે ગાંજો વેચનાર મહિલા મળી બે લોકોને ઝડપી પાડયા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં ગેરકાનૂની પ્રવૃત્તિ રોકવા માટે ભરૂચ જીલ્લાની પોલીસે ગાંજો અને એમડી ડ્રગ્સ સપ્લાય કરતા તત્ત્વો ઉપર સપાટો બોલાવી ૩ આરોપીઓને ઝડપી પાડતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્ત્વોમાં ફફડાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસઓજી પોલીસની ટીમના માણસને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઈ.ટી.એલ ચોકડી તરફ જતા રોડ ઉપર ગલ્લા ઉપર હાજર આરોપી બુલબુલ દેવી રાજેશ તુનતુન મંડલ રહે.જીતાલીની તપાસ કરતા તેની પાસેથી ગાંજાનો જથ્થો ૩.૫૧૨ કિ.ગ્રામની કિંમત રૂપિયા ૩૫,૧૨૦ તથા એક મોબાઈલ,રોકડા રૂપિયા ૫૦,૮૦૦ મળી કુલ રૂપિયા ૮૬,૪૨૦ ના મુદ્દામાલ સાથે મહિલા આરોપીની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં અંદાડા ગામમાં આવેલ ખોડિયાર નગર સોસાયટીના મકાન નંબર એ/૬૨ ના આગળના ભાગે ગાંજાનો છોડ અંદાજે ૭.૭૦૦ કિ.ગ્રામ જેની કિંમત રૂપિયા ૭૭,૦૦૦ મળી આવતા પોલીસે છોડનું વાવેતર કરનાર જીતેન્દ્ર કુમાર દેવલાલ પ્રસાદની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તો ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં બાતમીના આધારે ભરૂચના પીરકાંઠી રોડ ઉપર આવેલ ગરીબ નવાઝ એપાર્ટમેન્ટ અબદલવાડ

પાસેથી એમડી ડ્રગ્સ નો જથ્થો વજન ૧૩૦.૦૭ કિ.ગ્રામ કિંમત રૂપિયા ૧૩,૦૭,૦૦૦ તથા ગાંજાનો જથ્થો વજન ૨૩૮.૮૭ કિ.ગ્રામની કિંમત ૨,૩૮૮ તથા રોકડા રૂપિયા ૪૫,૯૨૦ તેમજ બે મોબાઈલ કિમત રૂપિયા ૧૦,૦૦૦ મળી કુલ ૧૩,૬૫,૫૦૮ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અમીન ઉર્ફે જાવીદ હનીફ ઈબ્રાહીમ મલેક સામે ગુનો દાખલ કરી તેની ઘરપકડ કરી હતી.

આમ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક,અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક અને ભરૂચ એસઓજી પોલીસે ગેરકાયદેસર નશાનો વેપલો કરતા ત્રણેય ઈસમોને ઝડપી પાડી ૧૫,૨૮,૯૨૮ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ જીલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ ગેરકાનૂની પ્રવૃત્તિ અને નશાના કારોબાર ને ઝડપી પાડવા માટે ડ્રાઈવ ઉપાડવામાં આવી છે અને ભરૂચ જીલ્લાના એસઓજી પોલીસ,ભરૂચ બી ડિવિઝન પોલીસ અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનાઓ એ ગાંજા તથા એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડતા નશાનો વેપલો કરતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.