Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિસીપલ ચૂંટણીના શ્રીગણેશ

File

ટેક્ષ રીબેટ યોજના જાહેર કરવામાં આવી

અમદાવાદઃ  આગામી ઓકટોબર મહીનામાં યોજાનાર અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ સત્તાધીશ ભાજપાએ કર્યા છે. મ્યુનિસીપલ કમિશ્નરે ગત વર્ષથી બંધ કરેલ ટેક્ષ રીબેટ યોજનાને ફરીથી શરૂ કરાવવામાં હોદ્દેદારો સફળ થયા છે. જયારે ટેક્ષની ખાલીબંધ યોજના હજી શરૂ થઈ નથી. મ્યુનિસીપલ સ્ટેન્ડીંગ કમિટીમાં શુક્રવારે ટેક્ષ રીબેટ યોજનાની વિધીવત જાહેરાત કરવામાં આવી હતી.


કમિટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ કોર્પોરેશને ચાલીઓના વેરામાં ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામાં આવશે. જ્યારે અન્ય કોમર્શિયલ દુકાનો અને મકાનોના વેરામાં ૫૦ વ્યાજ માફી જાહેર કરવામાં આવી છે. આ વ્યાજ માફી વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષ માટે લાગુ પડશે નહીં. આમ આ પહેલાની બાકી રકમ પર વ્યાજ માફી આપવાની જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૦ના ઓક્ટોબરમાં કોર્પોરેશનની ચૂંટણી હોવાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગત વર્ષે આ લાભ આપવામાં આવ્યો નહોતો. કોર્પોરેશનને ૧ એપ્રિલ ૨૦૧૯થી લઈ અત્યાર સુધીમાં ૮૧૦ કરોડ મિલકત વેરો, ૧૪૭ કરોડ વ્યવસાય વેરો અને ૬૭ કરોડ વાહન વેરાની આવક થઈ છે. ૧૬ જાન્યુઆરી ૨૦૨૦થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં જે તારીખે નાણાં ભરવા આવે તે તારીખે વર્ષ ૨૦૧૮-૨૦૧૯ સુધીની જૂની ફોર્મ્યુલા તથા નવી ફોર્મ્યુલાનો મિલકત વેરો (સામાન્ય વેરો, પાણી વેરો, કોન્ઝરવન્સી કર, એજ્યુકેશન સેસ તથા અન્ય રકમ) સહિતની પુરેપુરી રકમ ભરી દે એટલે કે પોતાની જૂની અને નવી ફોર્મ્યુલા મુજબનો ટેક્સ શૂન્ય કરે તેવી તમામ મિલકતોને આ રિબેટ આપવામાં આવશે. ચાલી તથા ઝૂંપડાવાળા રહેણાંકની મિલકતો માટે બાકી રહેતી વ્યાજની રકમમાં ૧૦૦ ટકા રકમ ઈન્સેન્ટિવ-રિબેટ(વ્યાજ માફી) તરીકે આપવામાં આવશે. ચાલી તથા ઝૂંપડાવાળા રહેણાંકની મિલકતો સિવાયની તમામ મિલકતો માટે બાકી રહેતી વ્યાજની રકમમાંમાં ૫૦ ટકા રકમ ઈન્સેટીવ આપવામાં આવશે.

ગત નાણાંકીય વર્ષમાં મનપાને ટેક્ષ પેટે અંદાજે રૂ.૧ર૧૭ કરોડની આવક થઈ હતી. જેની સામે ચાલુ વર્ષે એક હજાર કરોડ કરતા વધુ આવક થઈ ગઈ છે. સને ર૦૧૮-૧૯માં મિલકત વેરા પેટે ૯પ૧ કરોડની આવક થઈ હતી. જેમાં ચાલુ વર્ષે રૂપિયા ૧પ૦ કરોડ સુધીનો વધારો થઈ શકે છે. નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે કુલ ર૧ લાખ મીલકતોની આકારણી કરવામાં આવી છે. જેમાં ૧૬ લાખ રહેણાંક અને પ લાખ કોમર્શીયલ મીલકતોનો સમાવેશ થાય છે.

મીલકત વેરાની કુલ ડીમાન્ડ ૧૦પ૦ કરોડ થાય છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ૧૦ જાન્યુઆરી સુધી મીલકત વેરાની આવકમાં ર૦.૬૮ ટકા તથા પ્રોફેશનલ ટેક્ષની આવકમાં ૮ ટકાનો વધારો થયો છે. મીલકત વેરાની જુની અને નવી ફોર્મ્યુલા પેટે રૂપિયા ૩૭૦૦ કરોડની વસુલાત બાકી છે. મીલકત વેરાના મોટા દેવાદારોની રીકવરી કરવા માટે તેમની મીલકતો પણ જપ્ત કરવામાં આવી રહી છે.  પરંતુ હરાજીમાં યોગ્ય પ્રતિભાવ મળ્યો નથી. તદુપરાંત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઉત્તરાયણ બાદ સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.