Western Times News

Gujarati News

ગોધરા ખાતે 10મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉમંગભેર ઉજવણી કરાઈ

ગોધરા: શનિવારઃ   દેશભરમાં રાષ્ટ્રીય ચૂંટણીપંચનો સ્થાપના દિવસ, 25મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં ગોધરાના બીઆરજીએફ ભવન ખાતે 10મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્યમહેમાન શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આપણી લોકશાહી વિશ્વની સૌથી મોટી અને સૌથી મજબૂત લોકશાહી વ્યવસ્થા છે ત્યારે આ ઉજ્જવળ પરંપરાને આગળ વધારતા મતદાનની ટકાવારી વધે, લોકોમાં મતદાન વિશે અને મતના મહત્વ વિશે જાગરૂકતા વધે, ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણા સૌની છે. દરેક મતની કિંમત અમૂલ્ય હોવાનું જણાવતા દરેક નાગરિકે દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા માટે મતદાનની પવિત્ર ફરજ અવશ્ય બજાવવી જોઈએ તેમ શ્રી ચૌહાણે ઉમેર્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ આ પ્રસંગે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણીનો હેતુ લોકો મત આપવાના અધિકારના મહત્વ, લોકશાહીના સશક્તિકરણમાં તેની ભૂમિકા સમજે અને મતદાનની ટકાવારી વધારવાનો છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે પુખ્ત થતી લોકશાહીમાં નાગરિક તરીકેની આપણી જવાબદારીઓ પણ વધી છે. તેમણે મતદારોને માત્ર મતદાન કરીને પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ ન માનતા મતદાન કરવા માટે ઉદાસીન લોકોને પ્રેરિત કરવાની અપીલ કરી હતી. મતદાર નોંધણીની પ્રક્રિયા ઓનલાઈન થતા અગાઉની સરખામણીએ ઘણી સરળ બની છે તેમ જણાવતા તેમણે વધુને વધુ યુવા મતદારોને ઓનલાઈન નોંધણી કરાવવા અપીલ કરી હતી.

જિલ્લા પોલિસ વડા ડો.લીના પાટિલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં લોકશાહીની શરૂઆત સાથે પુખ્યવયના તમામ નાગરિકોને મત આપવાનો અધિકાર   મળ્યો છે. મતદાનના અધિકારને ભારતના નાગરિકોને મળેલી સૌથી મોટી ભેટ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે આ અધિકારને વેડફી ન નાંખી તેનો વિવેક અને વિચારપૂર્વક ઉપયોગ કરીને, શ્રેષ્ઠ ઉમેદવારને ચૂંટીને એક મજબૂત લોકશાહીના નિર્માણના ભાગીદાર બની શકીએ છીએ. દુનિયાના દેશો ઉત્તમ લોકશાહીના ઉદાહરણ તરીકે ભારતને જુએ છે ત્યારે દેશના નાગરિક તરીકે મતદાન કરી ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવું આપણી ફરજ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ અગાઉ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દિલીપ દેસાઈએ મહેમાનું શાબ્દિક સ્વાગત કરતા રાષ્ટ્રીય મતદાતા દિવસ વિશે જાણકારી આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ.પંચાલે કાર્યક્રમની આભારવિધી કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વજનોએ મતદારોએ લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ ઈઆરઓ, શ્રેષ્ઠ એઈઆરઓ, ડેપ્યુટી મામલતદાર (મતદાર યાદી), સુપરવાઈઝર અને બીએલઓને પ્રમાણપત્ર આપીને સન્માનવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જિલ્લામાં યુવા મતદાર મહોત્સવ-2019 અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને તેમજ રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્રથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. વધુમાં સ્વીપ અંતર્ગત કેમ્પસ એમ્બેડર્સને માનદ વેતનના ચેક અને શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા કલબ (ઈએલસી) તરીકેની કામગીરી બદલ શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભમાં ભારતના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી સુનિલ અરોરાના વિડીયો સંદેશ, ઈવીએમની વિશ્વસનીયતા અને વીવીપેટની કામગીરી અંગેની વિડીયો ક્લિપનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, નાયબ અધિક્ષકશ્રી (એસઆરપી) સહિતના અધિકારીઓ, ચૂંટણી વિભાગના કર્મચારીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.