Western Times News

Gujarati News

‘રીબીલ્ડીંગ ધ જ્યૂડિશિઅરી નેશન બિલ્ડીંગ’ વિષય પર વ્યાખ્યાન માળા યોજાઈ

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશ અને દુનિયામાં ભારતીયોએ વિવિધ ક્ષેત્રે પોતાની યોગ્યતાથી નવા કિર્તિમાન સ્થાપિત કર્યા છે.        હવે, ર૧મી સદીના બીજા દસકના પ્રારંભે આપણી સામે જે ચૂનૌતીઓ આવી છે તેમાં દેશના નાગરિક તરીકે છાત્રોએ પોતાના અધિકારો સાથે ફરજોની પહેચાન કરવી પણ આવશ્યક બની ગઇ છે        મુખ્યમંત્રીશ્રી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેન્ટર ફોર કોન્સ્ટીટયુશનલ એન્ડ એડમીનીસ્ટ્રેટીવ લૉ દ્વારા આયોજિત ‘‘વી-ધ પીપલ’’ લેકચર સિરીઝના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

રીબીલ્ડીંગ ધ જ્યુડીશ્યરી – નેશન બિલ્ડીંગના વિષયવસ્તુ સાથે યોજાઇ રહેલી આ વ્યાખ્યાન માળામાં સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ રંજન ગોગોઇ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા        મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રનિર્માણમાં આપણા સંવિધાનનું સન્માન-આદર અને વિધાયિકા, ન્યાયપાલિકા તથા કાર્યપાલિકાના ત્રણ આધાર સ્થંભોની વિશદ છણાવટ કરી હતી

તેમણે કહ્યું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આપણી સંવૈધાનિક વ્યવસ્થાની વિશેષતા એ છે કે આ ત્રણેય સ્થંભ પોતાની ભૂમિકાનું ઉચિત અને સક્રિય નિર્વહન કરે છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સ્વતંત્ર રૂપમાં પોતાના કર્તવ્યોનું પાલન કરતી ન્યાયપાલિકા આપણા રાષ્ટ્રની તાકાત છે.

આ સ્વતંત્ર ન્યાયપાલિકા આધારિત આપણી ન્યાયિક વ્યવસ્થા જ રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયાનો અભિન્ન હિસ્સો છે એમ તેમણે સ્પષ્ટપણે ઉમેર્યુ હતું.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોઇ પણ મૂદ્દે ન્યાયપાલિકાના નિર્ણય પ્રત્યે દેશમાં હંમેશા સન્માનની ભાવનાની પરંપરા રહી છે.

આ સંદર્ભમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ સુપ્રિમ કોર્ટ દ્વારા તાજેતરમાં રામ જન્મભૂમિ સંબંધમાં અપાયેલા નિર્ણયને ન્યાયિક વ્યવસ્થાની પરિપકવતા, સંવેદનશીલતા અને સ્વતંત્રતાને ઊજાગર કરનારો ગણાવ્યો હતો.

નિર્ણય આવવામાં સમય લાગે છતાં પણ ન્યાયપાલિકાનો નિર્ણય સત્ય-અસત્ય, સાચુ-ખોટું અને કાનૂની પરિપ્રેક્ષ્યમાં પ્રત્યેક પહેલુઓના બારીકાઇથી નિરિક્ષણ આધારિત હોય છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ લૉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવનારા સમયમાં કાનૂન ક્ષેત્રે પદાપર્ણ કરવાના છે ત્યારે એમને ખાસ અનુગ્રહ કર્યો કે સામાન્યમાં સામાન્ય માનવીને પણ યોગ્ય અને સાચો ન્યાય મળે તેવું દાયિત્વ નિભાવવાની તક દ્વારા રાષ્ટ્રનિર્માણ-રાષ્ટ્ર સશકિતકરણ માટે  આ છાત્રો પ્રતિબદ્ધ રહે.

સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઇએ આઝાદી બાદ ૫૬૫ રજવાડાઓના વિલીનીકરણ દ્વારા સરદાર સાહેબે રાષ્ટ્રનિર્માણ-નેશન બિલ્ડીંગનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું છે તેમ પોતાના કિ-નોટ એડ્રેસમાં જણાવ્યું હતું.

તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, નેશન બિલ્ડીંગમાં ગુજરાત ના સપૂત સરદાર સાહેબે અહેમ ભૂમિકા નિભાવી છે. જો સરદાર વલ્લભભાઇ વધુ સમય રહ્યા હોત તો રાષ્ટ્રનિર્માણમાં ઓર સશકતીકરણ થયું હોત એમ પણ તેમણે ઉમેર્યુ હતું.જસ્ટીસ શ્રી ગોગોઇએ પ્રધાનમંત્રીશ્રી ભારતને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવા સંકલ્પબદ્ધ છે તેનો ખાસ ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ હેતુસર પણ જ્યુડીશ્યરીનું રિબીલ્ડીંગ જરૂરી બન્યું છે.

તેમણે કહ્યું કે, ભારતીય ન્યાયપાલિકા સામે અત્યારે એક મહત્વની ચેલેન્જ એ છે કે રોકાણકારો-ઇન્વેસ્ટર્સમાં વિશ્વાસ-કોન્ફીડન્સ અને સેઇફ ઇન્વેસ્ટમેન્ટનું વાતાવરણ નિર્માણ થાય.શ્રી ગોગોઇએ જણાવ્યું કે, જ્યાં સુધી લોકોમાં દેશ-રાષ્ટ્ર માટે સમર્પિત ભાવ અને રાષ્ટ્રહિત ઊજાગર નહિં થાય ત્યાં સુધી રાષ્ટ્રનો વિકાસ સંભવ નથી. રાષ્ટ્રનિર્માણ-નેશન બિલ્ડીંગ શકય નથી.

તેમણે આ સંદર્ભમાં કાનૂની વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં આહવાન કર્યુ કે, રાષ્ટ્રની વિકાસકૂચ જારી રાખવા ફિયર લેસ, ઇફેકટીવ અને ટ્રસ્ટેડ જ્યુડીશ્યરીની નિતાંત આવશ્યકતામાં તેમણે  પોતાનું દાયિત્વ નિભાવવાનું છે.આ પ્રસંગે ગુજરાત સરકારના બાયોટેકનોલોજી મિશન અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી વચ્ચે MoU એકસચેન્જ કરવામાં આવ્યું હતું. આ MoU અંતર્ગત લૉ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઓન બાયોટેકનોલોજી લૉ એન્ડ પબ્લીક પોલીસી રાઇટ અપ નો અભ્યાસક્રમ શરૂ થવાનો છે.

લેકચર સિરીઝના પ્રારંભે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી જગદીશચન્દ્ર એ સૌને આવકાર્યા હતા. ડાયરેકટર જનરલ શ્રી શાંતાકુમાર સહિત યુનિવર્સિટીના છાત્રો, પ્રાધ્યાપકો અને ગણમાન્ય આમંત્રિતો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.