Western Times News

Gujarati News

વડોદરામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા ઝુંબેશ શરૂ કરવામાં આવી

વડોદરા:જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે બેંકર્સ તેમજ તમામ ખાતાના અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને,પ્રધાનમંત્રી કિસાન યોજનાના વડોદરા જિલ્લાના લાભાર્થી તમામ ખેડૂતોને સત્વરે કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટેની ઝુંબેશમાં સહયોગ આપવા સૂચના આપી છે. તેમણે જણાવ્યું કે, પીએમ કિસાન યોજના ઉપરાંત પશુપાલકો અને માછીમારોને નવા દિશા નિર્દેશો પ્રમાણે આ ઝુંબેશ હેઠળ કાર્ડ કાઢી આપવાના છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરીએ જણાવ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ વડોદરા જિલ્લામાં હાલમાં ૧૫૯૦૮૬ જેટલા ખેડૂત ખાતેદારોને દર ચાર મહિને રૂ.૨૦૦૦ પ્રમાણે વાર્ષિક રૂ.૬ હજારની સહાય આપવામાં આવી રહી છે. આ પૈકીના ૭૧૫૧૧ ખેડૂતો પાસે કેસીસી છે

એટલે આ ઝુંબેશ હેઠળ ૮૭૫૭૫ ખાતેદારોને કેસિસિ આપવાના થાય છે. આ ઉપરાંત નવી સૂચના પ્રમાણે માછીમારો અને પશુપાલકોને પણ કેસીસિ હેઠળ આવરી લેવાની કામગીરી તા.૨૩મી ફેબ્રુઆરી સુધી ચાલનારી ઝુંબેશ હેઠળ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, જિલ્લાના ગ્રામસેવક, તલાટી, વિસિઈ તેમજ કૃષિ અને આત્માના અધિકારીઓને આ કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં ખેડૂતોને મદદરૂપ બનવા સૂચના આપી દેવામાં આવી છે.

જિલ્લા કલેકટરશ્રીએ વધુ માહિતી આપતાં જણાવ્યું કે, પીએમ કિસાન ના એક ખાતા હેઠળ પરિવારના એક થી વધુ લાભાર્થી હશે તો એ તમામને અલાયદા કેસિસી ભારત સરકારની સૂચના પ્રમાણે મળવાપાત્ર છે. હાલના ખાતેદારો ખેતી સાથે પશુપાલન અને અથવા માછીમારી કરતા હશે તો આ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ઉમેરીને એમના કાર્ડની ધિરાણ મર્યાદા  નવેસરથી નિર્ધારિત કરાશે.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, ખેડૂતોએ લાભ લેવા માટે મુખ્યત્વે ૮/અ નો ઉતારો અને ફોટો અરજીમાં રજૂ કરવાના છે. આ ઉતારો ઓનલાઇન ઉપલબ્ધ છે. ખેડૂતો પીએમ કિસાનની વેબસાઈટ અને આઇ ખેડૂત પોર્ટલની વેબસાઈટ પરથી તેના અરજી પત્રકો મેળવી, ભરીને સાધનિક જરૂરી દસ્તાવેજો સાથે પોતાના વિસ્તારની બેંકની સર્વિસ બ્રાન્ચમાં રજૂ કરે એવો અનુરોધ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.