ટ્રમ્પે ચાલુ બેઠકમાં ભારતનું નામ લઈને ટેરિફની ધમકી આપી
File Photo
(એજન્સી)નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે મતભેદોના કારણે હજુ સુધી ટ્રેડ ડીલ થઈ શકી નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના સામાન પર ભારેખમ ટેરિફ લગાવ્યા છે. એવામાં હવે તેમણે ભારતને ફરીવાર ધમકી આપી ચોખા પર વધારાના ટેરિફના સંકેત આપ્યા છે. ટ્રમ્પની સરકારનો દાવો છે કે અમેરિકાના ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે સસ્તા વિદેશી માલના કારણે તેમના પાકને નુકસાન થઈ રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં આયોજિત એક બેઠકમાં ભારત અને કેનેડા પર નવા ટેરિફના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે, કે અમેરિકાના માર્કેટમાં સસ્તા ચોખાનું ડમ્પિંગ કરવામાં આવે છે તેવી ફરિયાદોની તપાસ કરવામાં આવશે.
બેઠકમાં કહેવામાં આવ્યું કે વિદેશથી આવતા ચોખા સસ્તા હોવાથી અમેરિકાના ચોખાની કિંમત પણ ઘટાડવી પડે છે. જેના પર ટ્રમ્પે જવાબ આપ્યો કે આવું કરનારા દેશો દગો આપી રહ્યા છે. અમેરિકાની કેનેડી રાઈસ મિલના ઝ્રઈર્ં મેરિલ કેનેડીએ ટ્રમ્પને જણાવ્યું, કે ‘ભારત, થાઈલેન્ડ અને ચીન સૌથી વધુ ચોખાનું ‘ડમ્પિંગ’ કરી રાય છે. ચીન વાયા પ્યૂર્ટો રિકો આ ચોખા અમેરિકા મોકલે છે. ટેરિફની અસર થઈ રહી છે. પણ તે બમણા કરવાની જરૂર છે.’
ચાલુ બેઠકમાં જ ટ્રમ્પે અમેરિકાની સરકારના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટને પૂછ્યું, કે ‘ભારતને આવું કરવાની છૂટ કેમ મળી રહી છે? તેમણે ટેરિફ આપવો પડશે. શું ભારતને ચોખામાં કોઈ છૂટ આપી છે?’
