Western Times News

Gujarati News

રાજકોટના યાર્ડમાં મચ્છરના ત્રાસથી વેપારીઓ વિફર્યા

અમદાવાદ: રાજકોટ બેડી યાર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ દિવસેને દિવસે વધતો જાય છે પરંતુ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા તેના નિવારણ અને નાગરિકોના આરોગ્યને લઇ યોગ્ય પગલાં નહી ભરતાં આજે ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા. આજે રાજકોટ બેડી યાર્ડ પાસેની સોસાયટીના લોકો, ખેડૂતો, વેપારીઓ, એજન્ટો યાર્ડ એકસંપ થઇ ખૂબ મોટી સંખ્યામાં બહાર હાઇવે પર ઉતરી આવ્યા હતા અને રસ્તા વચ્ચે જ બેસી ગયા હતા. ખેડૂતો, વેપારીઓ સહિતના લોકોએ હાઇવે પર રસ્તા રોકી ટ્રાફિક ચક્કાજામ કર્યા હતા અને રસ્તા પર ટાયર સળગાવતા વાહનચાલકોને થંભી જવાની ફરજ પડી હતી. જો કે, પોલીસ આવતા જ તમામ લોકો યાર્ડ અંદર જતા રહ્યા હતા અને પોલીસ પર હળવો પથ્થરમારો કર્યો હતો.

પોલીસે ૩૦થી વધુ વેપારીઓ, ખેડૂતોની અટકાયત કરી હતી. પરિસ્થિતિ  એક તબક્કે વણસતાં પોલીસે રિવોલ્વર બતાવી ફાયરીંગ કરવાની ચીમકી ઉચ્ચારી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આજના દેખાવો દરમ્યાન ચારથી પાંચ જણાંને ઇજા પહોંચી હતી. આજના દેખાવો દરમ્યાન કમીશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીની અટકાયત કરતા જ વેપારીઓ અને ખેડૂતો વિફર્યા હતા. પોલીસે પણ લાઠીચાર્જ અને ડરાવવા રિવોલ્વર કાઢી હતી. આથી બેથી ત્રણ વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. દરમ્યાન પરિસ્થિતિ બેકાબૂ બનતાં એક તબક્કે પીએસઆઇ અંસારીએ રિવોલ્વર લોડ કરી ખેડૂતો અને વેપારીઓને ચેતવણી આપી હતી. પોલીસ દ્વારા ખેડૂતોને ફાયરીંગ કરવાની ધમકી અપાતાં લોકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ હતી.

દેખાવો દરમ્યાન ખેડૂતો અને વેપારીઓ રસ્તા પર બેસી જતા વાહનચાલકોને થંભી જવું પડ્‌યું હતું. આથી મોરબીથી રાજકોટ આવતા અને રાજકોટથી મોરબી તરફ જતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ટ્રાફિકજામને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો.

પોલીસ આવતા જ ખેડૂતો અને વેપારીઓ યાર્ડમાં ઘૂસી ગયા હતા અને મેઇન ગેટ બંધ કરી પોલીસ પર હળવો પથ્થરમારો કર્યો હતો. આથી પોલીસના ધાડેધાડા માર્કેટીંગ યાર્ડ બહાર ઉતારી દેવામાં આવ્યા હતા. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસે પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસ અમને દબાવી રહી છે. અતુલ કમાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસે અમારા પર લાઠીચાર્જ કર્યો હતો. યાર્ડની અંદર પોલીસ મજૂરોને ગોતી ગોતીને પકડી રહી છે,

જે અત્યાચારી કાર્યવાહી છે. દરમ્યાન રવિમોહન સૈનીએ આ અંગે જણાવ્યું હતું કે, ૨૦૦થી વધુ લોકો રસ્તા પર ઉતર્યા હતા. હાલ રસ્તો ક્લિયર કરાવી નાખ્યો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો છે. પોલીસ સામેના આક્ષેપો અંગે સીસીટીવી જોઇ વધુ તપાસ કરીશું તેમજ આ વિસ્તારમાં હાલ પૂરતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.