Western Times News

Gujarati News

હીટ એન્ડ રન કેસમાં વિસ્મયની સજા યથાવત

અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ખળભળાટ મચાવનારા વિસ્મય શાહ દ્વારા કરાયેલા હિટ એન્ડ રન કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોતાનો અતિ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો અને ચકચારભર્યા આ કેસમાં નીચલી કોર્ટ દ્વારા આરોપી વિસ્મય શાહને ફટકારેલી પાંચ વર્ષની સજાને કાયમ(યથાવત્‌) રાખી હતી. હાઇકોર્ટે આરોપી વિસ્મય શાહ તરફથી સજા રદ કરવા દાદ માંગતી કરાયેલી ક્રિમીનલ અપીલ પણ ફગાવી દીધી હતી અને વિસ્મયને ચારથી છ સપ્તાહમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ હાજર થવા આદેશ કર્યો હતો.

જસ્ટિસ  સોનિયાબહેન ગોકાણીએ આજે મહત્વનો ચુકાદો જારી કર્યો તેમાં વિસ્મય શાહની સજા વધારવા માંગ કરતી સરકારપક્ષની અરજી પણ અંશતઃ ગ્રાહ્ય રાખી હતી. વિસ્મય શાહના ચકચારભર્યા હીટ એન્ડ રન કેસમાં અગાઉ તા.૧૩-૭-૨૦૧૫ના રોજ મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટના બીજા એડિશનલ સેશન્સ જજ પી.એમ.પટેલે આરોપી વિસ્મય અમિતભાઇ શાહને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

સાથે સાથે દોષિતને પ્રત્યેક મૃતકના પરિવારને ૫ાંચ લાખ રૂપિયા વળતર પેટે આપવા કહી રૂ.૧૦ લાખ રૂપિયા કોર્ટમાં જમા કરાવવાનો હુક્મ કર્યો હતો. નીચલી કોર્ટના આ ચુકાદાથી નારાજ થઇ વિસ્મય શાહે સજાના હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને ક્રિમીનલ અપીલ દાખલ કરી હતી. જેમાં આરોપી વિસ્મય શાહ તરફથી બચાવની દલીલો કરી તેને નીચલી અદાલત દ્વારા ફટકારવામાં આવેલી પાંચ વર્ષની સજા રદ કરવા દાદ માંગવામાં આવી હતી.

જા કે, હાઇકોર્ટે તે ગ્રાહ્ય રાખી ન હતી અને આરોપી વિસ્મય શાહની અપીલ ફગાવવાની સાથે તેની પાંચ વર્ષની સજા કાયમ રાખી હતી. ઉલ્લેખનીય છે કે, ગત તા.૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ બીએમડબલ્યુ લઈને જઈ રહેલા વિસ્મય શાહે જજીસ બંગલો રોડ પર બે બાઇક સવારને અડફેટે લીધા હતા. જેમાં શિવમ અને રાહુલ નામના બે બાઇકસવારના મોત થયા હતા. ત્યારબાદ વિસ્મય શાહ ફરાર થઇ ગયો હતો.

વિસ્મય વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ફરિયાદ થઇ હતી. ભારે વિવાદ બાદ તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ વિસ્મય શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસે આ કેસમાં ચાર્જશીટ રજૂ કર્યું હતુ અને સરકારપક્ષ તરફથી કરાયેલી દલીલોને ધ્યાનમાં લઇ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મયને પાંચ વર્ષની સજા ફટકારી હતી. તો, રાહુલ-શિવમના માતા-પિતાને ૫-૫ લાખ રૂપિયા વળતર આપવા આદેશ કર્યો હતો.

નીચલી કોર્ટની સજાના આ હુકમને પડકારતી અપીલ હાઇકોર્ટે આજે ફગાવી દઇ વિસ્મયને પાંચ વર્ષની સજા યથાવત્‌ રાખતો મહત્વનો ચુકાદો જારી કર્યો હતો અને તેને ચારથી છ સપ્તાહમાં જેલ ઓથોરીટી સમક્ષ હાજર થવા પણ ફરમાન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.