Western Times News

Gujarati News

જ્વેલર્સની દુકાનથી પરત ફરી રહેલા વૃદ્ધાના હાથમાંથી દાગીના ભરેલી થેલી ઝૂંટવી બે શખ્સો ફરાર

AI Image

(પ્રતિનિધિ) નડીયાદ, નડીયાદ શહેરના વાણીયાવાડ સર્કલ પાસે આવેલી હિલપાર્ક સોસાયટી નજીક ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. જ્વેલર્સની દુકાનેથી દાગીના સાફ કરાવીને ભત્રીજા સાથે એક્ટિવા પર પરત ફરી રહેલા વૃદ્ધાના હાથમાંથી મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો સોના-ચાંદીના દાગીના ભરેલી થેલી ઝૂંટવીને નાસી છૂટ્યા હતા. આ મામલે ભોગ બનનાર મહિલાએ નડીયાદ પોલીસ મથકે અંદાજે રૂ. ૧,૬૨,૩૦૦/- ની મત્તાની લૂંટ અંગે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ નડીયાદની જલતરંગ સોસાયટીમાં રહેતા હીનાબેન પટેલ તેમના અમેરિકા રહેતા ભત્રીજા હેમલ પટેલ સાથે સવારના સમયે શહેરના મહાગુજરાત સર્કલ પાસે આવેલી ભાનુભાઈ જ્વેલર્સની દુકાને ગયા હતા.

તેઓ પોતાના જૂના સોના-ચાંદીના દાગીના સાફ કરાવવા તેમજ અમેરિકા મોકલવા માટે નવી ચાંદીની લકી ખરીદવા માટે આવ્યા હતા. જ્વેલર્સની દુકાનેથી કામ પતાવી અંદાજે સવા અગિયાર વાગ્યાની આસપાસ તેઓ ભત્રીજા સાથે એક્ટિવા પર પરત ઘરે જઈ રહ્યા હતા.

દરમિયાન, વાણીયાવાડ સર્કલથી આગળ હિલપાર્ક સોસાયટી પાસે રોડ પરથી પસાર થતી વખતે કાળા રંગની મોટરસાયકલ પર બે અજાણ્યા શખ્સો પાછળથી આવ્યા હતા. ચાલકે હેલ્મેટ પહેરેલી હતી અને પાછળ બેઠેલા શખ્સે મોઢે બુકાની બાંધેલી હતી.

એક્ટિવાની પાછળ બેઠેલા હીનાબેને દાગીના ભરેલી થેલી પોતાની પાસે પકડી રાખી હતી, જે મોટરસાયકલ સવારોએ ચાલુ વાહને ઝૂંટવી લીધી હતી અને વાણીયાવાડ સર્કલ તરફ અત્યંત ઝડપે નાસી છૂટ્યા હતા.

લૂંટાયેલી થેલીમાં દોઢ તોલાની સોનાની ચેઈન, ૧૦ ગ્રામની સોનાની બે વીંટીઓ, ૫ ગ્રામની સોનાની જેન્ટ્‌સ વીંટી તેમજ નવી ખરીદેલી ચાંદીની લકીઓ અને ચાંદીના વાસણો સહિત કુલ રૂ. ૧,૬૨,૩૦૦/- ની મત્તા હતી.

અચાનક બનેલી આ ઘટના બાદ હેમલ પટેલે બાઇક સવારોનો પીછો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ લૂંટારુઓ હાથ આવ્યા નહોતા. આ અંગે હીનાબેને નડીયાદ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.