GIFT સીટીના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક અને હસમુખ અઢિયાની વિદાય પાછળનું કારણ શું?
સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧૩/૦૨/૨૬ના ઠરાવથી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (ગિફ્ટ) સિટીના ચેરમેન તરીકે હસમુખ અઢિયાને સ્થાને ઉદય સુરેશ કોટકની નિમણૂક કરવામાં આવી છે. આ ઘટના અંગે સચિવાલયમાં અનેક તર્કવિતર્ક ચાલે છે.
સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો તો એવું કહેવાય છે કે હસમુખ અઢિયાના આગ્રહી સ્વભાવને કારણે તેઓને આ પદ પરથી વિદાય કરવામાં આવ્યા છે.મહત્વની વાત તો એ છે કે આ ઠરાવમાં હસમુખ અઢિયાને ‘દાઝ્યા પર ડામ’ આપ્યા હોય એવા શબ્દો વપરાયા છે.દા.ત.(૧)ઃ-તાત્કાલિક અસરથી’ એવો જે શબ્દપ્રયોગ થયો છે,જે ખરેખર ‘ચાર્જ સંભાળે ત્યારથી’ એ પ્રમાણે કરવામાં આવતો હોય છે.

એમાં અઢિયાનો તેજોવધ થયો હોવાનું રાજકીય નિરીક્ષકો માને છે(૨)ઃ-આ ઠરાવમાં અગાઉ હસમુખ અઢિયાની નિમણૂકના ઠરાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જે પ્રણાલીગત નથી અને(૩)ઃ-અગત્યની વાત એ છે કે સદરહુ ઠરાવમાં આ નિમણૂકની શરતો,મુદત અંગે કોઈ ઉલ્લેખ નથી.
જે હવે પછી નક્કી કરવામાં આવનાર છે!આ બધું સૂચવે છે કે આ નિર્ણય અને નિમણૂકનો ઠરાવ અત્યંત ઉતાવળથી કરવામાં આવ્યો છે! સરકારને કેમ કુશળ વહીવટકર્તા ગણાતા હસમુખ અઢિયા પ્રત્યે આટલો બધો અણગમો થયો હશે એમ સહુ સચિવાલયમાં પૂછી રહ્યા છે!
અમૂલની કેન્ટીનની દાદાગીરી અને સરકારની તેમજ વિધાનસભા સચિવાલયની લાચારી

ગુજરાત વિધાનસભામાં ભોંય તળિયે એક કેન્ટીન આવેલી છે.જેનુ સંચાલન અમૂલ કરે છે. નીચલા મધ્યમ વર્ગને આ કેન્ટીન મોંઘી લાગે એવા એમાં વેચાતી વસ્તુઓના ભાવ છે. આ કેન્ટીનમા વિધાનસભાના કર્મચારીઓ ઓ તો જવાનું પસંદ જ નથી કરતા.
વળી, વિધાનસભા ચાલું હોય ત્યારે ખાસ ફરજ બજાવવા આવતા કર્મીઓ માટે સરકાર તરફથી ચા-નાસ્તા માટે કુપન આપવામાં આવે છે.એક કુપન રૂ.૬૦/-નુ મૂલ્ય ધરાવતી હોય છે.
આ કેન્ટીનના સંચાલકોની દાદાગીરી એવી છે કે એ રૂ.૬૦/-કુપનથી જો કોઈ કર્મચારી રૂ.૩૦/-ની ચીજવસ્તુ ખરીદે તો બાકીના પૈસા અમૂલ પાછા ન આપે અને ગ્રાહકે ફરજિયાત બાકીના વધેલા પૈસાનું કંઇક ખરીદવું જ પડે!
આ ગ્રાહકોની લાચારી છે અને સરકાર તેમજ વિધાનસભા સચિવાલયની લાચારી એ છે કે તેઓ અમૂલને કશું કહી શકે તેમ નથી.વિધાનસભાના અધ્યક્ષ ડેરી સાથે સંકળાયેલા હોવા છતાં તેઓ પણ અમૂલને કંઈ કહી શકતા ન હોય તો એ તો સમયની બલિહારી જ ગણવી રહીને?
શંકર ચૌધરી વિધાનસભાનું સંચાલન કડકાઈથી તથા તટસ્થતાથી કરે છે?

પંદરમી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર તા.૧૬/૦૨/૨૬થી શરૂ થઈ ગયું છે.આ સત્રના પ્રારંભે એવું દેખાયું છે કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ગૃહનું સંચાલન કડક રીતે અને કંઈક અંશે તટસ્થતાથી કરી રહ્યા છે!
જરૂર પડ્યે ચૌધરી મંત્રીઓને પણ લાંબા જવાબ આપતા રોકે તથા ટોકે છે અને વિરોધ પક્ષના સિનિયર સભ્ય અમિત ચાવડાને પણ ટપારે છે!અધ્યક્ષે સત્તાધારી પક્ષને સ્પષ્ટ સૂચના આપી હતી કે સરકારને અભિનંદન કે આભાર પાઠવવાનું પ્રશ્નોતરી કાળમાં ન રાખો અને વિરોધ પક્ષને ચેતવણી આપી હતી કે પ્રશ્નતરીકાળમાં માત્ર પ્રશ્ન જ પૂછો કોઈ રાજકીય અભિપ્રાય કે નિરીક્ષણથી દૂર રહો!
શંકર ચૌધરીના આ વલણને કારણે પ્રશ્નકાળ દરમિયાન વધારે પ્રશ્નોના જવાબ મળે છે અને તા.૧૯/૨/૨૬ના દિવસે રેકર્ડ બ્રેક ગણી શકાય તેમ કુલ -૧૭ પ્રશ્નો ગૃહમાં પૂછાયા.જે સરાસરી ૭ થી ૮ની સંખ્યામાં પૂછાતા હોય છે!શંકર ચૌધરીનુ આ વલણ અને તાટસ્થ્ય વજુભાઈ વાળાના અધ્યક્ષપદના સમયના સુંદર સંચાલનની યાદ અપાવે છે એમ અનુભવીઓ કહે છે.
વિધાનસભામાં સત્તાધારી પક્ષ વિરોધ પક્ષ પ્રત્યે ઉદાર કેમ છે?

૧૫મી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર ચાલી રહ્યું છે ત્યારે એવું દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે કે વિધાનસભામાં પ્રચંડ બહુમતી ધરાવતો સત્તાધારી પક્ષ ભા.જ.પ. વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફ આશ્ર્ચર્ય થાય છે
એટલી હદે ઉદારતા દાખવી રહ્યો છે.તેના ચાર ઉદાહરણો તા.૧૬ ફેબ્રુઆરીથી શરૂ થયેલી બેઠકમાં જોવા મળ્યા.
(૧)ઃ- તા.૧૬મીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રવચન વાંચી રહ્યા હતા ત્યારે પ્રવચનની શરૂઆત પછીની ૧૭મી મિનિટે કોંગ્રેસ પક્ષ દ્વારા “ખેડુતોનુ દેવું માફ કરો”ના સુત્રો સમુહમાં પોકારાયા હતા
અને તેને પરીણામે રાજ્યપાલે ૨૧મી મિનિટ પોતાનું પ્રવચન ‘બાકી કો પઢા માના જાય’ એમ કહીને પોતાનું પ્રવચન અટકાવ્યું હતું એ વખતે બધાને એમ હતું કે આખો કોંગ્રેસ પક્ષ સસ્પેન્ડ થશે પણ એવું કશું ન થયું
(૨)ઃ- એ પછી જિજ્ઞેશ મેવાણીએ અધ્યક્ષની સૂચના અવગણીને પોતાના પ્રશ્ન અંગે સતત ઉભા રહીને બોલવાનું ચાલુ રાખ્યું હતું તેમ છતાં મેવાણી સામે કોઈ પગલાં લેવાયા ન હતા!
(૩)ઃ- આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો ગૃહમાં બેનર લઈને ઉભા થઈ ગયા હતા પરંતુ તેમની સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.અને
(૪)ઃ- કોગ્રેસના સિનિયર ધારાસભ્ય શૈલેશ પરમારના અમુક આગ્રહો અંગે પણ અધ્યક્ષ ઉદાર વલણ દાખવતા નજરે પડ્યા હતા.આ ઉદારતાનું કારણ નથી સમજાતું પણ એવું લાગે છે કે વિરોધ પક્ષના ધારાસભ્યો મિડિયામાં હીરો ન બની જાય અને વધુ પ્રસિદ્ધિ ન મેળવી જાય એવી વ્યુહરચનાના ભાગ રૂપે કદાચ આ નીતિ અખત્યાર કરી હોવાનું જણાય છે.
