Western Times News

Gujarati News

ભરણપોષણ ન ચુકવતા પતિના પગારમાંથી દર મહિને રૂ.૨૫,૦૦૦ કાપી લેવા સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી, એક દુર્લભ આદેશમાં સુપ્રીમ કોર્ટે પત્ની અને ચાર વર્ષની પુત્રીને ભરણપોષણ ન ચુકવતા પતિના પગારમાંથી દર મહિને રૂ.૨૫,૦૦૦ની સીધી કપાત કરવાનો નોકરીદાતા કંપનીને આદેશ આપ્યો હતો. કોર્ટે કાપેલી આ રકમ પત્નીના બેન્ક એકાઉન્ટમાં આરટીજીએસ મારફત ટ્રાન્સફર કરવાની પણ કંપનીને તાકીદ કરી હતી.

આ મામલે પતિએ સ્વેચ્છાએ કોઈ રકમ ચૂકવવાનો ઇનકાર કર્યાે હતો.જસ્ટિસ જે બી પારડીવાલા અને કે વી વિશ્વનાથનની ખંડપીઠે પતિ નિશાંત પ્રવિણભાઈ સોની વિરુદ્ધ ડિમ્પલે દાખલ કરેલી ટ્રાન્સફર અરજીની સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. ટ્રાન્સફર પિટિશનમાં કચ્છ-ભૂજની ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ દાવાને ટ્રાન્સફર કરવાની માંગ કરાઈ હતી.

જસ્ટિસ પારડીવાલાની આગેવાની હેઠળની ખંડપીઠે નોંધ્યું હતું કે ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫એ અગાઉ આદેશ આપવા છતાં પતિ મધ્યસ્થી કાર્યવાહી માટે તેની પત્ની અને સગીર પુત્રીના મુસાફરી ખર્ચ માટે રૂ.૨૫,૦૦૦ જમા કરાવવામાં નિષ્ફળ ગયો હતો. ચુકાદામાં જણાવાયું હતું કે અત્યાર સુધી પતિએ તેની પત્નીને કે તેની સગીર પુત્રીને એક પણ પૈસો ચૂકવવાની તસ્દી લીધી નથી.

કમનસીબે તેને છેલ્લા ચાર વર્ષથી તેની સગીર પુત્રીની પણ કોઇ રીતે સંભાળ રાખી નથી.સુનાવણી દરમિયાન ખંડપીઠે પતિએ દાખલ કરેલા સોગંદનામાની ચકાસણી કરી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે તેનો માસિક પગાર રૂ.૫૦,૦૦૦ છે અને વાર્ષિક આવક રૂ.૬ લાખ છે. તેની પાસે કોઇ મોટી સંપત્તિ નથી અને તે લોન ચુકવણી સહિત નાણાકીય જવાબદારીઓનો સામનો કરી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે સવાલે કર્યાે હતો કે તેઓ વચગાળાના ભરણપોષણ માટેના બાકીના રૂ.૧.૩૮ લાખ સહિત રૂ.૨.૫ લાખ જમા કરવા તૈયાર છે કે નહીં. તેનો પતિએ ઇનકાર કર્યાે હતો. આ પછી ખંડપીઠે આદેશ આપ્યો હતો કે આવા સંજોગોમાં અમારી પાસે પ્રતિવાદી પતિના એમ્પ્લોયરને તેના પગારમાંથી દર મહિને રૂ.૨૫,૦૦૦ કાપવાનો આદેશ આપ્યા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

રિશદ શિપિંગ એન્ડ ક્લિયરિંગ એજન્સી પ્રાઇવેટ લિમિટેડને આરટીજીએસ દ્વારા કાપેલી આ રકમ પત્નીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનો પણ આદેશ આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દંપતીની સગીર પુત્રીના કલ્યાણને ધ્યાનમાં રાખીને આ આદેશ જરૂરી હતો, કારણ કે પુત્રીની સંભાળ ફક્ત તેની માતા દ્વારા જ લેવામાં આવે છે.આ કેસમાં પતિ-પત્ની ૨૦૨૨થી અલગ રહેતા હતાં. પત્નીએ સંપૂર્ણ અને અંતિમ સમાધાન તરીકે રૂ.૪૦ લાખ માંગ્યા હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.