બરોડા ક્રિકેટ એસો.ની ચૂંટણી સંદર્ભે ૧૬ માર્ચે ચુકાદો
(એજન્સી)અમદાવાદ, બરોડા ક્રિકેટ એસો.ની ચૂંટણી વિવાદમાં થયેલી અરજીમાં હાઈકોર્ટે ગુરૂવારે ચુકાદો આપવાની હતી પરંતુ હવુ કોર્ટે ૧૬ માર્ચે ચુકાદો અનામત રાખ્યો છે. ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા યથાવત રાખવાનું કહેવામાં આવ્યું છે. એટલે કે બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુનો કાર્યો કરી શકશે. તેઓ મહત્ત્વના કે પોલિસી સંબંધિત નિર્ણયો લઈ શકશે નહીં.
વડોદરાના પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા આ રિટ દાખલ કરવામાં આવી હતી જેમાં બીસીસીઆઈ, બરોડા ક્રિકેટ એસોસિએશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુક જીકાર, અનંત ઈન્દુલકર, અમર પેટીવાલે પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.
બરોડા ક્રિકેટ એસોસિનેશનની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઈ હતી. જેમાં પક્ષકારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટના વર્ષ ર૦રરના ચુકાદા મુજબ નવ વર્ષ સુધી હોદ્દા પર રહેનારી વ્યક્તિ ચૂંટણી માટે અયોગ્ય ગણાય છે. વળી હોદ્દા ઉપર સતત બે ટર્મ પછી ત્રણ વર્ષનો કુલિંગ પિરિયડ પણ જરૂરી હોય છે.
જેથી અરજદારો દ્વારા ચૂંટણી ઓફિસર સમક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર પક્ષકાર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઈન્દુલકર, અમર પેટીવાલેને અયોગ્ય જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે, ચૂંટણી ઓફિસર દ્વારા અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો ન હોતો અને વળી ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાઈ છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા વતાં અરજદારોની વાતને ધ્યાનમાં લેવાઈ નહોતી.
બરોડા ક્રિકેટ એસોસિએશન વતી રજૂઆત કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર એસોસિએશનના મેમોરેન્ડમને સુધારવામાં આવ્યું છે. ફરિયાદો માટે ઓમ્બ્યુસમેન્ટની રચના છે જેના ચેરમેન તરીકે કેરાલા હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ એ.જે.દેસાઈ કાર્યરત છે જ્યારે અરજદારો પાસે બીજા કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે હાઈકોર્ટમાં સીધી અરજી ટકવા પાત્ર નથી. સામા પક્ષે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે બીસીસીઆઈ અને બીસીએ સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ નથી.
સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા ઉપર નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઈલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો ભંગ છે.
અગાઉ હાઈકોર્ટે વચગાળાનો હુકમ કરતાં બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને ગ્રીન સિગ્નલ આપ્યું હતું. તેમાં આ રિટના પક્ષકારો ભાગ પણ લઈ શકશે એમ ઠરાવ્યું હતું. પરંતુ હાઈકોર્ટની પૂર્વ મંજૂરી વગર પરિણામ જાહેર નહીં કરવા અને બેલેટ પેપરને સુરક્ષિત રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
