Western Times News

Gujarati News

કેમીકલની ટાંકી સાફ કરવા ઉતરેલા બે કામદારોના ગેસ ગૂંગળામણથી મોત

સુરત, સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ન્યુ પારસ ડાઇંગ મિલમાં કેમિકલની ટાંકી સાફ કરતી વખતે ગેસ ગૂંગળામણથી બે શ્રમિકોના મોત થયા હોવાની કરુણ ઘટના સામે આવી છે.

ટાંકીમાં ઉતરેલા ચાર શ્રમિકો ગેસના ઝેરી પ્રભાવને કારણે બેભાન થઈ ગયા હતા. જેમાંથી બેના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે અન્ય બે હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં રહેતા અને મૂળ બિહારના વતની ચાર શ્રમિકો ૨૩ વર્ષીય સોનુંકુમાર કમલેશ પાસવાન, ૨૦ વર્ષીય દિનુંકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન, મનેનન્દર પાસવાન અને સંદીપ પાસવાન ગઈકાલે રાત્રે પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ન્યુ પારસ ડાઇંગ મિલમાં કેમિકલની ટાંકી સાફ કરવા માટે ગયા હતા. આ કામ માટે તેમને કોન્ટ્રાક્ટ હેઠળ બહારથી બોલાવવામાં આવ્યા હતા.

મિલમાં આવેલી કેમિકલની ટાંકીમાંથી પહેલા ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ ટાંકીમાં જમા થયેલો કચરો સાફ કરવા માટે ચારેય શ્રમિકો એક પછી એક ટાંકીમાં ઉતર્યા હતા. આ દરમિયાન ટાંકીમાં રહેલી ગેસની પાઇપમાંથી અચાનક ગેસ લીકેજ શરૂ થતાં ટાંકીની અંદર ઝેરી ગેસ ફેલાઈ ગયો હતો.

ગેસના પ્રભાવને કારણે ચારેય શ્રમિકોને ગૂંગળામણ થવા લાગી હતી અને થોડા જ સમયમાં તેઓ ટાંકીની અંદર બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા મિલના મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ચારેય શ્રમિકોને ટાંકીમાંથી બહાર કાઢ્યા હતા.

ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોનુંકુમાર કમલેશ પાસવાનનું મોડી રાત્રે જ મોત થયું હતું. ત્યારબાદ આજે સવારે આશરે સાડા અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન દિનુંકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાને પણ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

જ્યારે મનેનન્દર પાસવાન અને સંદીપ પાસવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.મૃતક સોનુંકુમાર પાસવાનના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેનો પરિવાર વતન બિહારમાં રહે છે. જ્યારે દિનુંકુમાર ઉર્ફે અંકિત પાસવાન અપરીણિત હતો અને તેનો પરિવાર પણ બિહારમાં રહે છે. બંનેના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.