Western Times News

Gujarati News

‘દરેકને કામની શરતો નક્કી કરવાની આઝાદી હોવી જોઈએ’

મુંબઈ, બોલિવૂડમાં આ દિવસોમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ૮ કલાકની વર્ક શિફ્ટની માંગને લઈને ચર્ચા તેજ બની છે. આ જ મુદ્દે હવે કરીના કપૂર ખાને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

કરીનાએ કહ્યું કે, કોઈપણ કલાકારને પોતાની જરૂરિયાત મુજબ કામની શરતો નક્કી કરવાની આઝાદી હોવી જોઈએ, ખાસ કરીને ત્યારે જ્યારે તે પરિવાર અને બાળકોની જવાબદારી પણ નિભાવી રહી હોય.‘ધ હોલીવુડ રિપોર્ટર ઇન્ડિયા’ સાથેની વાતચીતમાં કરીના કપૂરે કહ્યું કે, ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન ખૂબ જ જરૂરી છે. જો કોઈ એક્ટ્રેસ પોતાના બાળકો સાથે સમય વિતાવવા માટે મર્યાદિત કલાકો કામ કરવા માંગે છે, તો તેમાં કંઈ ખોટું નથી.’

તેણે કહ્યું કે, ‘આવી શરતો ત્યારે જ યોગ્ય રહે છે, જ્યારે ફિલ્મ શરૂ થાય તે પહેલાં જ પ્રોડ્યુસર્સ અને ટીમને સ્પષ્ટપણે જણાવી દેવામાં આવે.’કરીનાએ પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ના શૂટિંગ દરમિયાન તેને ઘણી પ્લાનિંગ કરવી પડી હતી. બે બાળકોની માતા હોવાને કારણે તેને વચ્ચે-વચ્ચે ઘરે પાછા ફરવું પડતું હતું.

આવા સમયે ટીમે શેડ્યૂલ એવી રીતે નક્કી કર્યું કે જ્યારે તે ઘરે જતી હતી, ત્યારે બાકીના સીન શૂટ કરી લેવામાં આવતા હતા અને પાછા ફર્યા પછી તે ફરી શૂટિંગ પૂરું કરી લેતી હતી.કથિત કામના કલાકોની માંગને લીધે દીપિકા પાદુકોણને સંદીપ રેડ્ડી વાંગાએ ‘સ્પિરિટ’માંથી કાઢી મૂકી હોવાની ચર્ચા છે.ખરેખરમાં, દીપિકા પાદુકોણે કથિત રીતે ફિલ્મોના શૂટિંગ માટે ૮ કલાકની શિફ્ટની શરત મૂકી હતી.

રિપોટ્‌ર્સ અનુસાર, આ જ કારણોસર તે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બહાર થઈ ગઈ હતી. ત્યારથી બોલિવૂડમાં કામના કલાકો અને વર્ક-લાઇફ બેલેન્સને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ વિવાદ પર ઘણા સ્ટાર્સે પોતાનો અભિપ્રાય આપ્યો છે. કેટલાક કલાકારોનું માનવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી કામ કરવું સામાન્ય બાબત છે, જ્યારે ઘણા સેલેબ્સ દીપિકાના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે અને તેને કામ અને પરિવાર વચ્ચે સંતુલનની જરૂરિયાત સાથે જોડીને જોઈ રહ્યા છે.

કરીનાનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ અને કલાકારોને પોતાની પરિસ્થિતિઓ અનુસાર કામ નક્કી કરવાનો અધિકાર મળવો જોઈએ. તેના મતે, સ્પષ્ટ વાતચીત અને યોગ્ય પ્લાનિંગથી કરિયર અને પરિવાર બંનેને સંતુલિત કરી શકાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.