Western Times News

Gujarati News

ભારતે બાંગ્લાદેશને ૫ હજાર ટન ડીઝલનો પુરવઠો મોકલ્યો

AI Image

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે. આ યુદ્ધના કારણે વિશ્વના ઘણા દેશોપર ઈંધણની આફત આવી પડી છે. આ દરમિયાન ભારતે બાંગ્લાદેશને ૫૦૦૦ ટન ડીઝલ સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે બાંગ્લાદેશ પાસે માત્ર હવે બે સપ્તાહ ચાલી શકે તેટલો જ ઈંધણનો જથ્થો વધ્યો છે, ભારતે એક કરાર હેઠળ બાંગ્લાદેશને આ ડીઝલની સહાય કરી છે. બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશનના ચેરમેન મોહમ્મદ રેઝાનુર રહેમાને જણાવ્યું હતું કે, ‘ભારત સાથે અમારો એક કરાર છે અને તે કરાર મુજબ ભારત પાઈપલાઈન દ્વારા બાંગ્લાદેશને દર વર્ષે ૧,૮૦,૦૦૦ ટન ડીઝલ સપ્લાય કરશે.

અત્યારે જે ૫,૦૦૦ ટન ડીઝલ આવી રહ્યું છે તે તે જ કરારનો એક ભાગ છે.’ કરાર મુજબ, છ મહિનાની અંદર બાંગ્લાદેશમાં ઓછામાં ઓછું ૯૦,૦૦૦ ટન ડીઝલ આયાત કરવામાં આવશે. ભારતથી આજે એટલે કે મંગળવારે જે ખેપ આવી રહી છે તે ૫,૦૦૦ ટન છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી બે મહિનામાં બાકીનું ડીઝલ પણ આયાત કરી લેવામાં આવશે. ભારતે પાઈપલાઈન દ્વારા બાંગ્લાદેશને ડીઝલ મોકલ્યું છે.

આ ડીઝલ બાંગ્લાદેશના પારબતીપુર બોર્ડરથી દેશમાં પ્રવેશ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સપ્લાયથી બાંગ્લાદેશમાં ઈંધણની ઉપલબ્ધતા જાળવી રાખવામાં મદદ મળી છે.

મિડલ ઈસ્ટમાં છેડાયેલા યુદ્ધ બાદ અન્ય દેશોની જેમ બાંગ્લાદેશમાં પણ ઈંધણનું સંકટ ઉભું થયું હતું, જે ભારત દ્વારા ડીઝલની પૂર્તિ થતા અમુક અંશે ઓછું થઈ શકશે. બીજી તરફ, બાંગ્લાદેશ સરકારે દેશમાં ઈંધણના સંગ્રહખોરીને લઈ કડક વલણ અપનાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.