Western Times News

Gujarati News

હાલની કટોકટીથી કોઇ દેશ બચ્યો નથી, ગભરાશો નહીંઃ PM મોદી

File

નવી દિલ્હી, પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વના દેશો એલપીજી સહિતના ઈંધણની સમસ્યાનો વધતો ઓછો સામનો કરી રહ્યાં છે. ભારતમાં હાલ આ મુદ્દે ચિંતા કરવાનું કોઈ કારણ નહીં હોવાની સરકાર દ્વારા વારંવાર કરાયેલી સ્પષ્ટતા છતાં કેટલાંક તત્વો લોકોમાં ગભરાટ ફેલાવવાનું કામ કરી રહ્યાં છે.

આ બાબતની ગંભીર નોંધ લેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવા તત્વોની નિંદા કરતાં જણાવ્યું હતું કે, હાલ એલપીજી વિશે બહુ ચર્ચા થઈ રહી છે. કેટલાંક લોકો નાગરિકોમાં ખોટો ડર ઉભો કરીને લોકો સમક્ષ પોતાની માનસિકતા છતી કરી રહ્યાં છે અને દેશના હિતોને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે. વડાપ્રધાને આવા તત્વો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

એક સંમેલનને સંબોધતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, ખાડીના દેશોમાં ચાલી રહેલાં યુદ્ધને કારણે દરેક દેશોને વધતી ઓછી અસર થઈ રહી છે. આમાંથી કોઇ દેશ બચ્યો નથી. ભારત સરકાર દેશની ઉર્જા સુરક્ષા જાળવી રાખવા માટે શક્ય તમામ પગલાં ભરી રહી છે.

હાલના સંજોગોમાં આપણે રાષ્ટ્રહિતને સર્વાેચ્ચ પ્રાથમિકતા આપીને સહિયારા પ્રયાસો થકી આપણી ફરજ બજાવવાની છે. કેટલાંક લોકો વર્તમાન પરિસ્થિતિનો લાભ લઈ, ચોક્કસ ઉત્પાદનોનું કાળા બજાર કરી રહ્યાં હોવાનું જણાવતાં તેમણે આવા લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. કેટલાંક લોકો એલપીજીના પુરવઠા અંગે લોકોમાં નાહકનો ડર પેદા કરી રહ્યાં છે. આવા લોકો તેમની માનસિકતા લોકો સમક્ષ છતી કરવાની સાથે સાથે જ દેશને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભારતે ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે અનેક મહત્વની કામગીરી કરી છે.

આપણે હવે ઉર્જા માટે માત્ર વિદેશી સંસાધનો પર નિર્ભર નથી રહ્યાં. ૨૦૧૪ સુધીમાં દેશમાં એલપીજી જોડાણોની સંખ્યા માત્ર ૧૪ કરોડ જેટલી હતી, જ્યારે આજે તે બમણાંથી વધીને ૩૩ કરોડે પહોંચી છે. ૨૦૧૪માં દેશમાં માત્ર ૪ એલએનજી ટર્મિનલ હતાં, હાલ તેની સંખ્યા બમણી થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક કટોકટીના વર્તમાન સંજોગોમાં રાજકીય પક્ષ, મીડિયા, યુવાનો, ગામડાં કે શહેરો તમામ લોકોએ મહત્વની અને જવાબદાર ભૂમિકા ભજવવાની છે.

અનેક વૈશ્વિક સંકટો છતાં વિશ્વના નેતાઓ ભારતના યુવાનો તરફ આશા ભરી નજરે જોઈ રહ્યાં છે ત્યારે ભારતની જવાબદારી પણ વધી જાય છે. આજે સમગ્ર વિશ્વ એ વાત જાણે છે કે, જો તમારે ભવિષ્યનો હિસ્સો બનવું હોય તો ભારત સાથે જોડાવું પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.