Western Times News

Gujarati News

ડાંગની અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટથી સ્થાનિકોને ઘરબેઠાં રોજગારી

સ્થાનિક ખેડૂતોના સહયોગથી કાજુના વેલ્યુ એડિશન માટે પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાયી વેચાણ શરૂ કર્યું

(ડાંગ માહિતી બ્યુરો)ઃ આહવાઃડાંગ જિલ્લાના ખેડૂતો આજે બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ખેડૂતોની અવિરત મહેનત તથા રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના અસરકારક અમલના પરિણામે જિલ્લામાં બાગાયતી ખેતીને પૂરતું પોષણ મળી રહ્યું છે.

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ જામલાપાડા ગામે અંબિકા બાગાયત ફળ,ફુલ શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કાજુ ઉત્પાદન તથા કાજુ પ્રોસેંસીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ મંડળી થકી ડાંગ જિલ્લાના લોકો કાજુની ખેતી તરફ વળ્યાં છે. અને ધર આંગણે રોજગારી મેળવતાં થયા છે. જામલાપાડા આવેલ અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી ખેડુતોના સહયોગથી કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટ ચલાવે છે. સાથે જ અહિં કાજુના વેલ્યુ એડિશન માટે પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના પણ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૦૦ ની સાલમાં આ મંડળીની સ્થાપના કરવામાં આવી હતી.

મંડળીના સેક્રેટરી શ્રી ચિંતુભાઇ ગાવિત જણાવે છે કે, જામલાપાડા વિસ્તારમાં શરૂઆતમા બાયફ સંસ્થા દ્વારા ૧૮ ગ્રામ્ય વિસ્તારોમાં વાડી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગામ દીઠ એક એકર જમીનમાં ૪૦ કાજુના પ્લાટ રોપવામાં આવ્યાં હતાં.

જે બાદ મંડળીના સ્થાપના કરવામાં આવી અને કાજુ વેચાણ શરૂ કરવામાં આવ્યું. સાથે જ અહિં કાજુ પ્રોસેસીંગ યુનિટ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ મંડળી દ્વારા બજારના સક્ષમ ભાવો પ્રમાણે ખેડુતો પાસે થી રો કાજુની ખરીદી કરી તેનું પ્રોસેસીંગ કરી મંડળી મારફત વેચાણ કરવામાં આવે છે. અહિં કાજુ પ્રોસેસીંગ દરમિયાન સ્થાનિક મહિલાઓને રોજગારી પણ ઘરબેઠાં પુરી પાડવામાં આવે છે.

વઘુમાં તેઓ જણાવે છે કે, ૮ થી ૯ મહિના સુધી સતત કાજુ પ્રોસેસીંગ ચાલુ હોય જેથી ગામની મહિલાઓને બહારગામ રોજીરોટી માટે જવુ પડતું નથી તેઓ પોતાના કામ સિવાય પણ ઘરબેઠાં ગામમાં જ રોજગારી મેળવી રહ્યાં છે. તેઓને બાગાયત વિભાગ માંથી શોર્ટગ, ગ્રેડીગન્વ સાધનોમાં ૯૦ ટકા સબસીડી મળી છે. તેમજ પ્રોસેસીંગના સાધનોમાં ૭૫ ટકા સબસીડી આપવામાં આવેલ છે.

અંબિકા બાગાયત મંડળીમાં કામ કરતાં શ્રીમતી ઉર્મિલાબેન સતિષભાઇ રાઠોડ જણાવે છે કે, તેઓ છેલ્લાં ૨૦ વર્ષ થી આ મંડળીમાં કામ કરી રહ્યાં છે. સ્થાનિક કક્ષાએ જ રોજગારી મળવાના કારણે તેઓને બહારગામ જવું નથી પડતું ઉપરાતં તેઓ ઘરના કામ સાથે મંડળીમાં પણ કામ કરી રહ્યા છે.

શ્રીમતી બેબીબેન ઠાકરે જણાવે છે, કે તેઓના ગામમાં જ સરકાર દ્વારા મંડળીની સ્થાપના કરવામાં આવતાં તેઓ ઘર આંગણે જ મંડળીમાં કામ કરીને રોજગારી મેળવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, બાગાયત વિભાગ દ્વારા જામલાપાડા ગામે કાજુના વેલ્યુ એડિશનનું આ અનોખું સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવેલ છે. અહિં કાજુના ગ્રેડિંગ, પેકિંગ, ર્સોટિંગ અને પ્રોસેસિંગ કરીને વઘઇ-સાપુતારા આવતાં પ્રવાસીઓ તેમજ અન્ય લોકોને કાજુનું વેચાણ કરવામાં આવે છે. સાથે જ સ્થાનિક ખેડુતોને પણ બજાર સક્ષમ ભાવ આપવામાં આવે છે. મંડળી દ્વારા વાર્ષિક ૫૦ લાખ જેટલું ટન ઓવર કરવામાં આવે છે.

નોંધનીય છે કે, ટુંક સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ સુરત ખાતે યોજાનાર છે. જેનાથી પણ સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને નવું પ્લેટફોર્મ મળશે. સાથે તેમના ઉત્પાદનોને એક વૈશ્વિક માર્કેટ મળવાની તકો ખુલશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.