Western Times News

Gujarati News

રમજાનની ઈબાદત અંગદાનમાં ફેરવાઈ: જેબુનબેનના પરિવારે શોક વચ્ચે પણ ‘ઈન્સાનિયત’નો રોજો નિભાવ્યો

અમદાવાદ સિવિલમાં ૧૪ કલાકમાં બે અંગદાન: ૯૯૫ અંગો-પેશીઓના દાનથી અત્યાર સુધી ૭૪૨ વ્યક્તિઓને મળ્યું નવજીવન

લોહીનો રંગ એક, શ્વાસની કિંમત પણ એક: મુસ્લિમ સમાજમાંથી મળેલું નવમું અંગદાન

અંગદાન પહેલાં અંગદાતાને શ્રદ્ધાંજલિરૂપે કરવામાં આવે છે પ્રાર્થના; એકસાથે પ્રાર્થના અને કલમા ગુંજતા સર્જાયા લાગણીસભર દ્રશ્યો

અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોરિડોરમાં ૧૫ માર્ચના રોજ એક એવું દ્રશ્ય સર્જાયું જેણે ધર્મના વાડાઓ અને સામાજિક રૂઢિચુસ્તતાને હંમેશા માટે હચમચાવી દીધી. જ્યારે સમગ્ર મુસ્લિમ બિરાદરો રમજાનના પવિત્ર માસમાં ખુદાની ઈબાદતમાં લીન છે, ત્યારે જૂનાગઢના ચાવડા પરિવારે પોતાની વ્હાલસોયી સ્વજન જેબુનબેનના અંગોનું દાન કરી ‘ખિદમત-એ-ખલ્ક’ (માનવતાની સેવા)નું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જૂનાગઢના કેશોદ પાસે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા ૫૧ વર્ષીય જેબુનબેનને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા ત્યારે પરિવાર સ્તબ્ધ હતો. આ નાજુક ઘડીએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ વેલ્ફેર એસોસિએશનના આગેવાન યાસ્મીનબેન વોરા અને શહેરના પ્રતિષ્ઠિત મોલાનાશ્રીએ પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું.

મોલાનાના માર્ગદર્શન હેઠળ પરિવારે એ સ્વીકાર્યું કે કોઈના જીવનમાં ઉજાસ પાથરવો એ જ સાચી બંદગી છે. ધાર્મિક આસ્થા અને સામાજિક જવાબદારી વચ્ચે જ્યારે સમજણનો સેતુ બંધાયો, ત્યારે પરિવારે અંગદાન માટે મંજૂરી આપી હતી.

સૌથી હૃદયદ્રાવક ક્ષણ ત્યારે આવી જ્યારે જેબુનબેનને ઓર્ગન રીટ્રીવલ માટે લઈ જવામાં આવ્યા. સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દાતાના માનમાં પ્રાર્થના કરતો હોય છે, પરંતુ આ વખતે દ્રશ્ય અલગ હતું. એક તરફ ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ મૌન પ્રાર્થના કરી રહ્યા હતા, તો બીજી તરફ જેબુનબેનના સ્વજનો ભીની આંખે ‘કલમા’ પઢી રહ્યા હતા. પ્રાર્થના અને કલમાના આ મિશ્રિત ગુંજારવે હોસ્પિટલની દીવાલો પર એ વાત કોતરી દીધી કે પીડા અને પુણ્યનો કોઈ ધર્મ હોતો નથી. જેબુનબેનના અંગદાનથી બે કિડની અને એક લીવર પ્રાપ્ત થયા.

સિવિલ હોસ્પિટલમાં થયેલા બીજા અંગદાનની વાત કરીએ તો, સિવિલ હોસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ રહેલી 25 વર્ષીય યુવતી 15 માર્ચે બ્રેઈનડેડ જાહેર થઈ હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવત દ્વારા દર્દીના પરિવારજનોને અંગદાન અંગે સમજાવવામાં આવ્યું હતું.

ડોક્ટરોની સમજણ અને પરિવારજનોના માનવતાભર્યા નિર્ણયને કારણે યુવતીના અંગોનું ગુપ્તદાન કરવામાં આવ્યું. આ અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે, જેનો ઉપયોગ સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓના પ્રત્યારોપણ માટે કરવામાં આવશે.

માત્ર ૧૪ કલાકના ટૂંકા ગાળામાં સિવિલમાં બે અંગદાન થયા. કુલ મળીને આ ૧૪ કલાકમાં ૬ જીવ બચી ગયા. મુસ્લિમ સમાજમાંથી મળેલું આ નવમું અંગદાન છે, જે બદલાતા સમાજ અને જાગૃતિની જીવંત સાક્ષી પૂરે છે.

સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ આ ઘટનાને એક ‘સામાજિક ક્રાંતિ’ ગણાવતા કહ્યું કે, “અંગદાન જેવા સંવેદનશીલ વિષયમાં ધાર્મિક અને સામાજિક આગેવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે સમાજના માનનીય નેતાઓ અને ધર્મગુરુઓ પરિવારોને સમજાવે છે ત્યારે લોકોમાં વિશ્વાસ અને જાગૃતિ બંને વધે છે. તેમના સહયોગથી અંગદાનનો માનવતાભર્યો સંદેશ વધુ વ્યાપક રીતે સમાજ સુધી પહોંચે છે અને અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળવાની શક્યતા વધી જાય છે.”

સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૨૩૧ દાતાઓ દ્વારા કુલ ૯૯૫ અંગો અને પેશીઓનું દાન મળ્યું છે, જેના કારણે ૭૪૨ જરૂરિયાતમંદોના ઘરમાં ફરીથી ખુશીઓ પરત ફરી છે. રમજાનનો મહિમા ત્યાગ અને સમર્પણનો છે. જેબુનબેનનો આ ત્યાગ ત્રણ અજાણ્યા વ્યક્તિઓના શરીરમાં ધબકતો રહીને આ પવિત્ર માસની સાર્થકતા વધારતો રહેશે. આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.