Western Times News

Gujarati News

“લિવ-ઇન રિલેશનશિપ” પત્નીના હયાત હોવા છતાં પુરૂષ અન્ય મહિલા સાથે રહે તે અંગે કોર્ટે શું ચુકાદો આપ્યો?

હાઈકોર્ટે આ ટિપ્પણી સાથે પતિની લિવ-ઈન પાર્ટનર અને તેના બાળકો વિરુદ્ધ ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને રદ કરી છે

(એજન્સી) બેંગલુરુ, કર્ણાટક હાઈકોર્ટે લગ્નેત્તર સંબંધો અને બહુપત્નીત્વના કાયદા અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કોર્ટે ઠેરવ્યું છે કે, જો કોઈ વિવાહિત પુરુષ તેની પત્નીના હયાત હોવા છતાં અન્ય મહિલા સાથે રહે છે અથવા તેની સાથે શારીરિક સંબંધ રાખે છે, તો તેને કાયદાની નજરમાં ‘બીજા લગ્ન’ ગણી શકાય નહીં.

આ કિસ્સામાં આઈપીસીની કલમ ૪૯૪ હેઠળ ગુનો બનતો નથી. હાઈકોર્ટે આ ટિપ્પણી સાથે પતિની લિવ-ઈન પાર્ટનર અને તેના બાળકો વિરુદ્ધ ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને રદ કરી છે.

મળતી માહિતી મુજબ કર્ણાટક હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર ગેરકાયદેસર સંબંધ અથવા બીજી મહિલા સાથે રહેવું એ આઈપીસી કલમ ૪૯૪ હેઠળ લગ્ન માનવામાં નથી આવતા. એટલે કે, આને બહુપત્નીત્વ (પત્ની/પતિ જીવતા હોય ત્યારે બીજા લગ્ન કરવા)નો ગુનો પણ ન ગણી શકાય. ફરિયાદી પત્નીના જણાવ્યા અનુસાર, તેના પતિના અનેક ગેરકાયદેસર સંબંધો હતા.

પત્નીએ આ આધારે બહુપત્નીત્વનો આરોપ મૂક્્યો હતો, પણ કોર્ટે કહ્યું કે, માત્ર સાથે રહેવું કે ગેરકાયદેસર સંબંધ કાનૂની રીતે લગ્ન નથી ગણાતા. આઈપીસી કલમ ૪૯૪ ત્યારે જ લાગુ પડે છે જ્યારે ખરેખર કાનૂની રીતે બીજા લગ્ન થયેલા હોય. વિધિવત લગ્ન વિના ગુનાની કાર્યવાહી શક્ય નથી. આ આધારે હાઈકોર્ટે તમામ આરોપીઓ સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી હતી.

ફરિયાદમાં પત્નીએ તે મહિલાનું નામ પણ ઉમેર્યું હતું, જે તેના પતિ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આ ફરિયાદના આધારે મૈસુરુની ટ્રાયલ કોર્ટે આ કેસને આગળ વધાર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, ફરિયાદી પત્નીએ પોતાના બાળકો પર પણ આરોપ મૂક્યો હતો કે, તેઓ પિતા અને બીજી મહિલાના ગેરકાયદેસર સંબંધ અંગે ચૂપ રહ્યા.

હાઈકોર્ટે કહ્યું કે, ફરિયાદી (પત્ની) માટે જરૂરી હતું કે તે સાબિત કરે કે તેના પતિએ અન્ય મહિલા સાથે લગ્ન કર્યા છે. બેંગલુરુની બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું કે, ટ્રાયલ કોર્ટનો આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરવાનો આદેશ કાનૂની રીતે યોગ્ય નહોતો અને તેથી તેને રદ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.