અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં વાવાઝોડું ફૂંકાયું
જેના પગલે ઝાડ અને હોર્ડિગ્સ પડ્યા. ખેતીને પણ નુકસાન : રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટોઃ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદઃ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે પવનઃ અમદાવાદમાં ભારે પવનના કારણે ઉડી ધૂળની ડમરીઓઃ બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અનેક સ્થળે વરસાદ
અમદાવાદ, ગુરૂવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું છે. આ સાથે જ ખેતીને પણ નુકસાન પહોંચ્યું છે. ભારે પવન ફૂંકાતા ખેતરમાં રહેલા ઉભા પાકે નુકસાન થતાં ખેડૂતો ચિતામાં મૂકાયા છે. પવન એટલો જોરદાર હતો કે રસ્તાઓ પર ધૂળની આંધી ફેલાઈ ગઈ હતી અને લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ અચાનક બદલાયેલા હવામાનને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર પડી હતી.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરમાં જોરદાર પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનના કારણે ઘણા વિસ્તારોમાં ઝાડ તૂટી પડવાના બનાવ બન્યા હતા. રસ્તાઓ પર મૂકવામાં આવેલા બેરિકેડ્સ પણ ઉખડી ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
વસ્ત્રાપુરમાં ભારે પવનના કારણે પોલીસ બુથ પણ ધરાશાયી થઈ ગયું હતું. આ પરિસ્થિતિને કારણે શહેરમાં લોકોમાં ચિતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી જેના પગલે આજે ૧૯ માર્ચની વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરોમાં જોરદાર પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી.
આશરે ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે વાતાવરણ ધૂળમય બની ગયું હતું. આ પરિસ્થિતિમાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઠંડા પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ગુજરાતવાસીઓને અંગ દઝાડતી ગરમીથી રાહત મળી છે. ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો.
અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં ભારે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અનેક સ્થળે વરસાદ જોવા મળ્યો હતો.
બનાસકાંઠાના ડીસામાં વહેલી સવારે પડેલા વરસાદને કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મોટા પાયે નુકસાનના અહેવાલ છે. માર્કેટ યાર્ડ દ્વારા અગાઉથી સૂચના આપવામાં આવી હોવા છતાં, અનેક વેપારીઓએ બાજરી અને રાયડાની બોરીઓ ખુલ્લામાં રાખી હતી. કમોસમી વરસાદને કારણે આ હજારો બોરીઓ પલળી જતાં વેપારીઓ અને ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. સ્થાનિકોના મતે વેપારીઓની ગંભીરતાના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે.
