Western Times News

Gujarati News

અમેરિકી કોંગ્રેસમાં H-1B વિઝાની સમીક્ષા: આર્થિક વૃદ્ધિ અને કુશળ કામદારોની અછત પર ચર્ચા

વોશિંગ્ટન, 20 માર્ચ : અમેરિકામાં કામ કરવા માટે ભારતીય વ્યાવસાયિકો માટેના મુખ્ય માર્ગ સમાન H-1B વિઝા કાર્યક્રમ આ અઠવાડિયે યુએસ કોંગ્રેસમાં ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સાંસદોએ આર્થિક વૃદ્ધિને ટેકો આપવા અને વૃદ્ધ થતી વસ્તીને કારણે ઊભી થયેલી શ્રમની અછતને દૂર કરવા માટે વિઝા સુધારા પર ચર્ચા કરી હતી.

યુએસ કોંગ્રેસની ‘જોઈન્ટ ઈકોનોમિક કમિટી’ની સુનાવણીમાં નીતિ નિર્ધારકો અને નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યો હતો કે શું વર્તમાન લોટરી આધારિત સિસ્ટમ યોગ્ય છે? આ માટે વેતન-આધારિત પસંદગીથી લઈને કામદારોની વધુ ગતિશીલતા (mobility) જેવા અનેક પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા.

ચેરમેન ડેવિડ શ્વેકર્ટ જણાવ્યું હતું કે અમેરિકા અત્યારે વસ્તી વિષયક પડકારોનો સામનો કરી રહ્યું છે જે લાંબા ગાળે આર્થિક સ્થિરતાને નબળી પાડી શકે છે. તેમણે કહ્યું, “આજે નિવૃત્ત લોકોની સંખ્યા વધી રહી છે જ્યારે કામકાજ કરી શકે તેવા પુખ્ત વયના લોકોની સંખ્યા સ્થિર છે. આ ટકાઉ નથી અને આપણી આર્થિક સુરક્ષા માટે જોખમ છે.”

મુખ્ય ચર્ચાઓ અને સૂચનો: સિસ્ટમમાં ફેરફાર: શ્વેકર્ટ ચિંતા વ્યક્ત કરી હતી કે વર્તમાન H-1B સિસ્ટમ એમ્પ્લોયર-સ્પોન્સર માળખાને કારણે વેતનને દબાવી રાખે છે. તેમણે કૌશલ્ય-આધારિત અથવા ‘પોઈન્ટ-આધારિત’ મોડલની શક્યતાઓ તપાસી હતી.

  • કામદારોની ગતિશીલતા: ડૉ. લ્યુક પરડ્યુએ જણાવ્યું હતું કે જો કામદારોને એક એમ્પ્લોયરથી બીજા એમ્પ્લોયર પાસે જવાની વધુ છૂટ (portability) આપવામાં આવે, તો તેનાથી ઉત્પાદકતા અને વેતનમાં વધારો થઈ શકે છે.

  • વેતન-આધારિત રેન્કિંગ: ડેનિયલ ડી માર્ટિનોએ લોટરી સિસ્ટમને બદલે વેતન-આધારિત રેન્કિંગ સિસ્ટમ લાવવાનું સમર્થન કર્યું હતું, જેથી વધુ કુશળ અને યુવાન કામદારોને પ્રાથમિકતા મળી શકે.

  • સ્થાયી નિવાસ (Green Card) માં વિલંબ: સુનાવણીમાં ગ્રીન કાર્ડ મેળવવામાં થતા વિલંબ અને બિનકાર્યક્ષમતાને દૂર કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આર્થિક પ્રભાવ અને AI: નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઉચ્ચ કુશળ ઇમિગ્રન્ટ્સ દેશની તિજોરીમાં આર્થિક યોગદાન આપે છે. પ્રતિનિધિ લોયડ સ્મકરે પૂછ્યું હતું કે શું ઇમિગ્રેશનમાં વધારો કરવાથી રાષ્ટ્રીય દેવાની સમસ્યા હલ થઈ શકે? જેના જવાબમાં ડૉ. ડગ્લાસ હોલ્ટ્ઝ-એકિને સહમતી દર્શાવતા કહ્યું કે વસ્તી વૃદ્ધિમાં ઘટાડો એ નબળા આર્થિક વિકાસનું મુખ્ય કારણ છે.

ચર્ચામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો પણ ઉલ્લેખ થયો હતો. પરડ્યુએ જણાવ્યું હતું કે AI કામદારોની જરૂરિયાત ખતમ નહીં કરે, પરંતુ માંગને નવા કૌશલ્યો તરફ વાળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.