Western Times News

Gujarati News

અમદાવાદની ચાલી-ઝૂંપડપટ્ટીમાં જોખમી ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો

File Photo

ચાલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ત્રણ ત્રણ માળના મકાનો પણ બની જાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી એસ્ટેટ ખાતા દ્વારા કરાતી નથી.

મેમનગર, જાદવનગર સ્લમ વિસ્તારમાં ગેલેરી તૂટી પડતાં નીચેથી પસાર થતા એક પરપ્રાંતિય યુવકનું મોત

(એજન્સી)અમદાવાદ, મ્યુનિ. સત્તાધીશો એક બાજુ શહેરને સ્લમ ફ્રી સીટી બનાવવાની વાતો કરે છે. પરંતુ કેટલાક વિસ્ત્રોમાં ચાલી ઝૂંપડપટ્ટી હટાવવાને બદલે તેમાં જોખમી ગેરકાયદે બાંધકામો થતાં હોય તેની તરફ આંખ આડા કાન કરવામાં આવે છે. આવા જોખમી ગેરકાયદે બાંધકામોએ બુધવારે મોડી રાત્રે મેમનગર જાદવનગર સ્લમ વિસ્તારમાં એક યુવાનનો ભોગ લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મેમનગરમાં જાદવનગર સ્લમ વિસ્તારમાં મોટાભાગના કાચાપાકા બાંધકામો ગેરકાયદે છે અને એટલું જ નહી આ ગેરકાયદે બાંધકામો પાણી ગટરના જોડાણો પણ ગેરકાયદે લેવાયા છે. આ વિસ્તારમાં ગત રાત્રે એક મકાનની ગેલેરી તુટી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલા પરપ્રાંતીય યુવકનું કરૂણ મોત નીપજયું હતું. આ ઘટના અંગે મ્યુનિ. નાં એસ્ટેટ ખાતાએ શું કાર્યવાહી કરી તે જાણવા મળ્યું નથી.

જાદવનગરમાં તરીકે ઓળખાતા વિસ્ત્રમાં તો તળાવની જગ્યામાં જયાં જુઓ ત્યાં કાચાપાકા મકાન બનાવીને તેમજ રોડ સાઈડ દબાણો કરીને દુકાનો બનાવીને કમાણી કરાઈ રહી છે. આ દબાણો દુર કરીને રોડ પહોળો કરવાની કામગીરીમાં પણ રાજકીય દબાણ નડતરરૂપ બન્યાં હોવાનું જાણવા મળ્યું છે.

સુત્રોએ સ્વીકાર્યું હતુંકે વિવિધ વિસ્તારોમાં ચાલી ઝૂંપડપટ્ટીમાં ચોકકસ તત્વો ખાસ કરીને સરકારી કે મ્યુનિ. ની જમીન હોય ત્યાં મનફાવે તેમ રૂમો બનાવી ભાડે આપી કમાણી કરતાં હોય છે. તેવી જ રીતે ચાલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ત્રણ ત્રણ માળના મકાનો પણ બની જાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી એસ્ટેટ ખાતા દ્વારા કરાતી નથી.

ચાલીઝૂંપડ પટ્ટીમાં મોટાભાગે પાણી ગટરના જોડાણો પણ ગેરકાયદેસર રીતે જ લેવાતા હોય છે. જેની જાણકારી હોવા છતાં મ્યુનિ. ઈજનેર ખાતુ પણ પત્રપુષ્મ લઈને આંખ આડા કાન કરે છે. સ્લમ વિસ્તારોમાં ગેરકાયદે બાંધામો અને ગેરકાયદે પાણી ગટરના જોડાણોથી અનેક પ્રકારની સમસ્યા સર્જાય છે તે જાણવા છતાં એસ્ટેટ ખાતુ અને ઈજનેર ખાતુ ઘોર બેદરકારી દાખવી રહયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.