Western Times News

Gujarati News

બેફામ જઈ રહેલી ટ્રક બાજુમાંથી પસાર થતી ગાડી ઉપર પલટી ખાતા મહિલાનું મોત

(એજન્સી)અમદાવાદ, રાજ્યના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. અમદાવાદ-મહેસાણા હાઈવે પર શેરથા બાયપાસ નજીક  એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જતી એક આઈસર ટ્રક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાજુમાં પસાર થતી કાર પર પલટી ખાઈ ગઈ હતી.

આ ગંભીર દુર્ઘટનામાં કારમાં સવાર મહિલાનું ટ્રકના વજન નીચે ચગદાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેસાણા તરફથી આવી રહેલી આઈસર ટ્રકમાં મોટું મશીન લદાયેલું હતું. અડાલજ તરફ જતી વેળાએ શેરથા રામદેવપીર મંદિર નજીક હાઈવે પર આવેલા બમ્પ પર ટ્રક કૂદતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.

આઈસર ટ્રક સીધી જ બાજુમાં જઈ રહેલી કાર પર ખાબકતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર મહિલાને બહાર કાઢવાની તક મળે તે પહેલા જ ટ્રકના ભારે વજન નીચે દબાઈ જવાથી તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

અકસ્માતને પગલે હાઈવેના બંને બાજુ કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ અડાલજ પોલીસ અને ટોલ રોડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ભારે જહેમત બાદ અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેથી પોલીસે ટ્રાફિક જામને દૂર કરવા કવાયત શરૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.