Western Times News

Gujarati News

અમદાવાદમાં કૅન્સર સારવારને મળશે નવી દિશા, ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં અદ્યતન ‘ઇલેક્ટા ઇન્ફિનિટી’ રેડિયેશન મશીનનું ઉદ્ઘાટન 

આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે કરાયું ઉદ્ઘાટન, કૅન્સરની સંપૂર્ણ સારવાર માટે વર્લ્ડ-ક્લાસ સુવિધાઓની શરૂઆત

અમદાવાદ. શહેરના ઘુમા-બોપલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ ખાતે રવિવારે સવારે 10:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ અને લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ પ્રસંગે શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SCRI) દ્વારા રેડિયેશન ઑન્કોલોજી માટે અદ્યતન ‘ઇલેક્ટા ઇન્ફિનિટી’ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ મશીન અમદાવાદ માટે પોતાની જાતનું અનોખું ગણાય છે, જે કૅન્સર સારવાર ક્ષેત્રમાં નવી તકનીકી ક્રાંતિ લાવશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને તેમના હસ્તે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેઓએ આ આધુનિક ટેક્નોલોજીનું મહત્વ તથા કૅન્સર સારવારમાં તેની ભૂમિકા અંગે માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં હવે કોમ્પ્રેહેન્સિવ કેન્સર કેર સર્વિસિસની શરૂઆત સાથે દર્દીઓને કેન્સરની સર્વાંગી સારવાર એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. હોસ્પિટલમાં સર્જિકલ ઑન્કોલોજી, મેડિકલ ઑન્કોલોજી, રેડિયેશન ઑન્કોલોજી તેમજ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

હોસ્પિટલ તરફથી વધુમાં જણાવાયું હતું કે આયુષ્માન ભારત, CGHS, ECHS અને તમામ TPA ઇન્શ્યોરન્સ હેઠળ કેન્સરની કેશલેસ સારવાર ઉપલબ્ધ છે. અનુભવી નિષ્ણાત ડૉક્ટરોની ટીમ, અદ્યતન સારવાર સુવિધાઓ અને સંકલિત અભિગમના કારણે દર્દીઓને સમયસર નિદાન અને અસરકારક સારવાર મળી શકશે.

આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ જણાવ્યુ કે “ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલનું વ્યૂહાત્મક સ્થાન અને અદ્યતન સુવિધાઓ હવે નજીકના ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નગરો અને ગામડાઓના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે. આયુષ્માન ભારત જેવી યોજનાઓ હેઠળ કેશલેસ સારવાર ઉપલબ્ધ હોવાથી ગુણવત્તાસભર કૅન્સર સારવાર હવે વધુ સુલભ અને પહોંચની અંદર બની છે.”

મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને ઓન્કોસાયન્સીના ડાયરેક્ટર ડૉ. વિરાજ લવિંગિયાએ જણાવ્યું હતું કે, “આધુનિક ‘ઇલેક્ટા ઇન્ફિનિટી’ જેવી ટેક્નોલોજી દ્વારા અમે વધુ સચોટ અને વ્યક્તિગત કૅન્સર સારવાર પ્રદાન કરી શકીશું. દર્દીઓ માટે ઓછા સાઇડ ઇફેક્ટ્સ સાથે અસરકારક સારવાર શક્ય બનશે, જે સારવારની ગુણવત્તામાં મોટો ફેરફાર લાવશે.”

શેલ્બી હોસ્પિટલ્સ અમદાવાદના ક્લસ્ટર COO પરિમલ પટેલે જણાવ્યું હતું કે, “શેલ્બીનો હેતુ હંમેશા વિશ્વસ્તરીય આરોગ્યસેવાઓને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો રહ્યો છે. SCRI મારફતે અમે કૅન્સર સારવારમાં નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી દર્દીઓને વિશ્વસ્તરની સારવાર માટે દૂર જવાની જરૂર ન પડે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.