Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં

AI Image

કરોડો રૂપિયાનાં વિકાસકાર્યો કરવામાં આવ્યા છે તેની જાણકારી દરેક વોર્ડનાં મતદારો સુધી પહોંચાડવી જરૂરી 

(પ્રતિનિધિ) અમદાવાદ,  મ્યુનિ.ની આગામી સામાન્ય ચૂંટણીમાં પ્રચારમાં અગ્રેસર રહેવા માટે ભાજપે અનેક સ્તરે તૈયારીઓ આદરી છે અને તેમાં ખાસ કરીને ભાજપ શાસનમાં તમામ વોર્ડમાં પાંચ વર્ષ દરમિયાન કયા કયા પ્રકારનાં વિકાસકાર્યો કરવામાં આવ્યા અને કેટલા કરોડનાં ખર્ચે કરવામાં આવ્યા તેની વિગતવાર માહિતી પૂરી પાડતી રંગીન બુકલેટ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

મ્યુનિ.માં સને ૨૦૨૧થી ૨૦૨૬ સુધીનાં પાંચ વર્ષનાં ભાજપનાં શાસનમાં કદાવર બજેટ રજૂ કરવામાં આવ્યા અને કરોડો રૂપિયાનાં વિકાસકાર્યો કરવામાં આવ્યા છે તેની જાણકારી દરેક વોર્ડનાં મતદારો સુધી પહોંચાડવી જરૂરી છે.

તેમ જણાવતાં પૂર્વ ડે.મેયર જતીનભાઇ પટેલ અને પૂર્વ સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર શહેરને લાભ થાય તેવા વિકાસકાર્યો ઉપરાંત દરેક વોર્ડમાં પ્રાથમિક સુવિધાનાં રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ અને સ્ટોર્મ વોટરલાઇનનાં કામો તો થયાં જ છે.

આ સિવાય તળાવ ડેવલપમેન્ટ, હોલ-પાર્ટી પ્લોટ, જીમ્નેશિયમ, લાયબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર, સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમતનાં મેદાન, સ્નાનાગાર, સ્કેટીંગ રીંક સહિત અનેક પ્રકારનાં વિકાસકાર્યો વોર્ડ દીઠ કરવામાં આવ્યા છે.

ખાસ કરીને સોસાયટીઓ, ચાલીઓમાં કેન્દ્ર, રાજ્ય અને ધારાસભ્યો તેમજ કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલાં કામોની વિગતોનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. સોસાયટીઓમાં રોડ, લાઇટનાં કામો તથા વરસાદી પાણીનાં સંગ્રહ માટેનાં પરકોલેટીંગ વેલ પણ બનાવવામાં આવ્યા છે.

મ્યુનિ.નાં પૂર્વ હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, પાર્ટી નેતાગીરીની સૂચના મુજબ, દરેક વોર્ડમાં કરવામાં આવેલાં વિકાસકાર્યોથી વોર્ડનાં મતદારોને સારી રીતે વાકેફ કરી શકાય તેમજ પ્રચાર દરમિયાન કોઇ સવાલ ઉપસ્થિત થાય તો તેનાં જવાબ માટે કામોનાં ફોટા સાથેની બુકલેટ તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે.

તેમણે કહ્યું કે, ભાજપ-કોંગ્રેસનાં કોર્પોરેટરોની રજૂઆતોને ધ્યાને લઇ રાજકીય પક્ષાપક્ષીથી પર રહીને નાગરિકોની સુવિધા માટે વિવિધ કમિટીઓમાં તેમજ સ્ટે.કમિટીમાં વિકાસકાર્યો અને સુવિધાના કામો મંજૂર કરાયા હતા. તેનુ અમલીકરણ ઝોન અને વોર્ડ સ્તરે થતુ હોવાથી કેટલા કામો પૂર્ણ થયાં અને કેટલા કામો પ્રગતિમાં છે તેની વિગતો ભાજપનાં કોર્પોરેટરો પાસે મંગાવવામાં આવી હતી અને તેના આધારે રંગીન બુકલેટ તૈયાર કરવામાં આવી રહી છે.

તેમણે વધુ વિગત આપતાં કહ્યું કે, આ રંગીન બુકલેટ તૈયાર થઇ ગયાં બાદ દરેક વોર્ડમાં પહોંચાડવામાં આવશે અને કોર્પોરેટરો ઉપરાંત વોર્ડ સંગઠનનાં હોદ્દેદારો અને અગ્રણી કાર્યકરોને આપવામાં આવશે, જે ડોર ટૂ ડોર પ્રચાર સમયે ખૂબ કામમાં લાગશે. તેમજ જે તે વોર્ડની સોસાયટીઓનાં ચેરમેન-સેક્રેટરીઓને પણ વિકાસકાર્યોની બુકલેટ પહોંચાડવામાં આવશે, જેથી તેઓ પણ તેમની સોસાયટીનાં રહીશોને ભાજપ શાસનમાં થયેલાં વિકાસકાર્યોની જાણકારી આપી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.