Western Times News

Gujarati News

મયુર ડાઈકેમ પર આવકવેરાના દરોડામાં 200 કરોડના બેનામી વ્યવહારો દસ્તાવેજો જપ્ત

10 કરોડની રોકડ રકમ તથા 40 કરોડના સોના- ચાંદીના દાગીના, જ્વેલરી મળી 

મયુર ડાઈકેમના ભાગીદાર સુજલ પટેલના બોપલ સ્થિત નિવાસસ્થાને 1.13 લાખની વિદેશી દારૃની 33 બોટલનો જથ્થો મળ્યો

અમદાવાદ, આવકવેરા વિભાગ દ્વારા વટવામાં આવેલા મયુર ડાઈકેમની ફેક્ટરી, ઓફિસ મયુર ડાઈકેમના ડાયરેક્ટરો, ભાગીદારો સહિત 20 સ્થળે ચાલી રહેલી ચાર દિવસની દરોડાની કાર્યવાહીના અંતે રૃ.200 કરોડના બેનામી વ્યવહારોના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને રૃ.10 કરોડની રોકડ રકમ તથા રૃ.40 કરોડના સોના- ચાંદીના દાગીના, જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.

મયુર ડાઈકેમના મયુર પટેલ અને સુજલ પટેલ પર દરોડાની કાર્યવાહી પૂરી કરવામાં આવી છે અને દરોડાની કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલા દસ્તાવેજો, કાચી નોંધ ધરાવતી ચિઠ્ઠીઓ, બેંકિંગ વ્યવરોની વિગતો, મોબાઈલ અને કોમ્પ્યુટર સહિત ડિજીટલ ડેટાની તપાસને અંતે મોટાપાયે કરચોરીનો પર્દાફાશ  થવાની શક્યતા છે.

ઈન્કટેક્સ વિભાગ દ્વારા છેલ્લાં 4 દિવસથી ચાલી રહેલી દરોડાની કાર્યવાહીમાં તપાસને અંતે મોટાપાયે કરચોરી પકડાવાની શક્યતા છે. મયુર પટેલના વેવાઈ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે અને સી.જી. રોડ પર આવેલી ‘ઓકેઝન જ્વેલર્સ’ સાથે સંકળાયેલા દેવર્ષિ કામદારના સ્થળે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે વહેલી સવારથી આવકવેરા વિભાગે કરચોરી સંબંધિત શંકાસ્પદ વ્યવહારો અંગે વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જાણીતા કેમિકલ ગ્રુપ મયૂર ડાયકેમના માલિકો મયૂર પટેલ, સુજલ પટેલ અને તેમના ભાગીદારોના નિવાસસ્થાનો તેમજ વ્યવસાયિક એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. વટવા GIDC અને સોલા સહિત કુલ 20 સ્થળોએ 80થી વધુ અધિકારીઓની ટીમોએ સાગમટે દરોડા પાડીને તપાસ હાથ ધરી છે.

આવકવેરા વિભાગ દ્વારા મયુર ડાઈકેમ દ્વારા કરાયેલી નિકાસ અને તેના મેળવેલ પેમેન્ટ જાણકારી માટે એક્સપોર્ટ એન્ટ્રીઓ તેમજ ટેક્સ બચાવવા માટે બોગસ બિલો કે હવાલા એન્ટ્રીઓ પાડવામાં આવી હતી કે કેમ તે મુદ્દે ઝીણવટ ભરી તપાસ હાથ ધરાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં જ કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. ઈન્કમટેક્સ અધિકારીઓએ, દરોડા દરમિયાન ડિજિટલ ડેટા અને ડાયરીઓમાંથી મળેલી વિગતોના મયુર પટેલ અને તેમના ભાગીદારોની પૂછપરછ કરી રહ્યા છે.

મયૂર ડાયકેમ ગ્રુપ ઇન્ટરમીડિયેટ, H-એસિડ અને VS ડાઈઝના ઉત્પાદન તથા નિકાસ સાથે સંકળાયેલું છે. H-એસિડનો ઉપયોગ મુખ્યત્વે કાપડ ઉદ્યોગમાં થાય છે. આવકવેરા વિભાગને શંકા છે કે ડમી કંપનીઓ મારફતે બોગસ બિલિંગ કરીને ટેક્સ ચોરી કરવામાં આવી હોવાની શક્યતા છે ગોડાઉનમાં રહેલા કાચા માલના સ્ટોકના મૂલ્યાંકનમાં ગેરરીતિ કરીને કરચોરી કરવાનો પ્રયાસ થયો હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે.

આવકવેરા વિભાગ દ્વારા વટવા જીઆઈડીસીમાં આવેલ મયુર ડાયકેમની ફેક્ટરી, ઓફિસ સહિત 20 સ્થળે ચાલી રહેલી દરોડાની કાર્યવાહી દરમિયાન મયુર ડાઈકેમના ભાગીદાર સુજલ પટેલના બોપલ સ્થિત નિવાસસ્થાને 1.13 લાખની વિદેશી દારૃની 33 બોટલનો જથ્થો મળી આવતાં ઈન્કમટેક્સ અધિકારીઓએ વિદેશી દારૂનો જથ્થો પોલીસને સુપરત કર્યો હતો. આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ગૂનો દાખલ કરાયો છે અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.