Western Times News

Gujarati News

કોર્ટના ચુકાદા અમલમાં વિલંબ રોકવા સરકાર કડક

ગાંધીનગર, ગુજરાત સરકારે સેવાકીય મુદ્દાઓમાં કોર્ટના ચુકાદાનો સમયસર અમલ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓ અને સંસ્થાઓ દ્વારા કોર્ટમાં દાખલ થતી પિટિશનોમાં ચુકાદા પછી વિભાગો દ્વારા સમયસર કાર્યવાહી ન થવાને કારણે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પરિસ્થિતિ ઊભી થતી હતી. હાઇકોર્ટમાં કેટલાક કેસોમાં થયેલા વિલંબને ગંભીરતાથી લઈને સરકારે અગાઉનો ૩ માર્ચ ૨૦૨૬નો પરિપત્ર રદ કરીને નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

નવા નિયમો મુજબ, જો કોર્ટનો ચુકાદો સ્વીકારવાનો હોય તો સમગ્ર પ્રક્રિયા ૪૫ દિવસમાં પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. તેમાં કચેરીના વડાને ૧૨ દિવસ, ખાતાના વડાને ૧૦ દિવસ, વહીવટી વિભાગને ૮ દિવસ અને નાણા વિભાગને ૧૫ દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે. આ રીતે દરેક સ્તરે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરીને પ્રક્રિયામાં ગતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જો કોઈ વિભાગ કોર્ટના ચુકાદા સામે અપીલ કરવાનો નિર્ણય લે તો કાયદા વિભાગ દ્વારા નક્કી કરેલી ૩૦, ૬૦ અથવા ૯૦ દિવસની સમયમર્યાદા મુજબ કાર્યવાહી કરવી પડશે. દરેક તબક્કા માટે અલગ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે, જેથી સમયસર અપીલ દાખલ કરી શકાય અને જરૂરી હોય તો સ્ટે પણ મેળવી શકાય.

પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, જો કોઈ કારણસર ચુકાદાનો અમલ સમયમર્યાદામાં શક્્ય ન હોય, તો સંબંધિત વિભાગે કોર્ટમાં સમયવધારાની અરજી કરવી ફરજિયાત રહેશે. આ અરજી નિર્ધારિત સમયમર્યાદાની અંદર જ કરવી પડશે, જેથી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જેવી પરિસ્થિતિ ટાળી શકાય.

નાણા વિભાગને આ પ્રક્રિયામાં વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. સમાન કેસોના આધારે ચુકાદા આપવામાં આવ્યા હોય તો તેની તુલનાત્મક ચકાસણી કરીને સ્પષ્ટ અભિપ્રાય આપવો ફરજિયાત બનાવાયો છે. ઉપરાંત પેન્શન, પગાર અને અન્ય સેવાકીય મુદ્દાઓમાં કોર્ટના ચુકાદાની તારીખ અને કન્ટેમ્પ્ટની સ્થિતિ અલગથી દર્શાવવાની સૂચના આપવામાં આવી છે, જેથી આવા કેસોને પ્રાથમિકતા આપી ઝડપથી નિકાલ કરી શકાય.

રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ સમયમર્યાદાનું કડક પાલન કરાવવાની જવાબદારી તમામ વહીવટી વિભાગોની રહેશે. આ પરિપત્ર દ્વારા સરકાર બ્યુરોક્રસીમાં જવાબદારી અને સમયબદ્ધતા લાવી કોર્ટના આદેશોનું સમયસર પાલન સુનિશ્ચિત કરવા માંગે છે, જેથી અનાવશ્યક કાનૂની વિવાદો અને કન્ટેમ્પ્ટ જેવી પરિસ્થિતિઓને અટકાવી શકાય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.