Western Times News

Gujarati News

મેદાન પર વર્ચસ્વ જમાવવા રોહિત શર્મા ફરીથી સજ્જઃ કુંબલે

મુંબઈ, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન સ્પિનર અનીલ કુંબલે મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર રોહિત શર્માની બેટિંગથી અત્યંત પ્રભાવિત થયો છે. રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની આઇપીએલની મેચમાં રોહિત શર્માના શાનદાર પ્રદર્શન બાદ કુંબલેએ જણાવ્યું હતું કે, રોહિતનો આ નવો અંદાજ આઇપીએલની વર્તમાન સિઝનમાં અન્ય ટીમો માટે મુસીબત બની શકે છે.

રવિવારે અહીં રમાયેલી આઇપીએલ ૨૦૨૬ની મેચમાં ૩૮ વર્ષીય રોહિત શર્માએ માત્ર ૩૮ બોલમાં ૭૮ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. જેને કારણે મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં છ વિકેટે વિજય મેળવ્યો હતો.અનીલ કુંબલેએ ટીવી ચેનલ પર વાત કરતા કહ્યું હતું કે “રોહિત શર્મા તેના ‘૨.૦ અવતાર’ માં જોવા મળી રહ્યો છે.

મેદાનની ચારેબાજુ જે રીતે તેણે શોટ્‌સ ફટકાર્યા, તેણે તેના પ્રાઇમ (શ્રેષ્ઠ સમય) ની યાદ અપાવી દીધી.” સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી જેવા ગુણવત્તાયુક્ત સ્પિનરો સામે સિક્સર ફટકારવી સરળ નથી પરંતુ રોહિતે આ કાર્ય ખૂબ જ આસાનીથી કર્યું હતું તેમ કહેવાની સાથે કુંબલેએ કોલકાતા નાઇટ રાઇડર્સની વ્યૂહાત્મક ભૂલો પર પણ પ્રહાર કર્યા હતા અને મેચ દરમિયાન નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેના કેટલાક નિર્ણયોની ટીકા પણ કરી હતી.

કુંબલેએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે જ્યારે રોહિત અને રિકેલટન આક્રમક બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે પાવરપ્લેમાં સુનીલ નારાયણને બોલિંગમાં કેમ ન લાવવામાં આવ્યો. સુનીલે ચાર ઓવરનો ક્વોટા પણ પૂરો કર્યાે ન હતો જે કોલકાતા માટે નુકસાનકારક સાબિત થયું.કુંબલેના મતે જ્યારે તમારી પાસે અનુભવી ફાસ્ટ બોલરોની અછત હોય, ત્યારે તમારી પાસે રહેલા બે વિશ્વસ્તરીય સ્પિનરો (નારાયણ અને વરુણ) નો વધુ સારો ઉપયોગ કરવો જોઈએ.

કેરેબિયન બોલર જ્યારે બોલિંગમાં આવ્યો ત્યાં સુધીમાં રોહિતે મેચ મુંબઈની તરફેણમાં લાવી દીધી હતી. આ પ્રસંગે કુંબલેએ રોહિતની ફિટનેસની પણ પ્રશંસા કરી હતી. તેણે નોંધ્યું કે ટૂંકા બ્રેક પછી આવીને તરત જ આવી રિધમ અને ટાઇમિંગ મેળવવું મુશ્કેલ હોય છે, પરંતુ રોહિતે સાબિત કરી દીધું કે તે ફરીથી વર્ચસ્વ જમાવવા માટે તૈયાર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.