યુદ્ધના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સંકટઃ મોંઘવારી વધી
(એજન્સી)નવી દિલ્હી, અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને હવે લગભગ એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે. આ દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થા પર તેનો ગંભીર પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં આઈએમએફએ સમગ્ર વિશ્વને ચેતવણી આપી છે કે આ યુદ્ધના કારણે મોંઘવારી વધી શકે છે અને આર્થિક વિકાસની ગતિ ધીમી પડી શકે છે.
આઈએમએફના નિષ્ણાતો અનુસાર, આ સંઘર્ષનો સૌથી મોટો પ્રભાવ ઉર્જા માર્કેટ પર પડી રહ્યો છે. ખાસ કરીને હોર્મૂઝ સ્ટ્રેટને લઈને ઉભી થયેલી અનિશ્ચિતતાએ વૈશ્વિક સપ્લાય ચેઇનને જોખમમાં મૂકી દીધી છે. વિશ્વના લગભગ ૨૫થી ૩૦ ટકા કાચા તેલ અને લગભગ ૨૦ ટકા એલએનજી સપ્લાય માટે આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ છે. આ વિસ્તારમાં તણાવ વધતા કાચા તેલના ભાવ ઝડપથી વધી રહ્યા છે અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧૫ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે.
આર્થિક નિષ્ણાતો ટોબિયાસ એડ્રિયન અને જિહાદ અઝૂરના વિશ્લેષણ મુજબ, આ સંઘર્ષના કારણે ઊર્જા, ખાદ્ય અને નાણાકીય બજારોમાં અસ્થિરતા વધી રહી છે. ખાસ કરીને વિકાસશીલ અને ગરીબ દેશો માટે આ પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે.
આ દેશો ઊર્જા આયાત પર વધુ નિર્ભર હોવાથી વધતા ભાવ અને સપ્લાયમાં અવરોધ તેમને ગંભીર આર્થિક સંકટમાં મૂકી શકે છે. આઈએમએફએ જણાવ્યું છે કે એશિયા અને આફ્રિકાના ઘણા દેશોમાં ઈંધણના વધતા ભાવને કારણે કૃષિ ઉત્પાદન ખર્ચ વધશે, જેના કારણે ખાદ્ય પદાર્થોની કિંમતોમાં વધારો થશે. પરિણામે, સામાન્ય લોકો પર સીધી અસર પડશે અને મોંઘવારી વધુ તેજીથી વધશે.
વિશેષજ્ઞોનું માનવું છે કે જો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલશે, તો વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા વધશે. મોંઘવારીમાં સતત વધારો થવાથી પગાર અને ખર્ચ વચ્ચે અસંતુલન સર્જાઈ શકે છે, જે અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિમાં ઘણા દેશોને વધારાની નાણાકીય સહાયની જરૂર પડી શકે છે.
તેલ અને ગેસ નિકાસ કરતા દેશો માટે આ પરિસ્થિતિ થોડો ફાયદાકારક બની શકે છે, કારણ કે વધતા ભાવથી તેમની આવકમાં વધારો થઈ શકે છે. પરંતુ મોટાભાગના દેશો માટે આ સ્થિતિ પડકારજનક જ રહેશે. આઈએમએફએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ સંઘર્ષનો અંતિમ પ્રભાવ તેની અવધિ પર આધાર રાખશે.
જો યુદ્ધ ટૂંકા ગાળાનું રહેશે તો નુકસાન મર્યાદિત રહી શકે છે, પરંતુ જો તે લાંબા સમય સુધી ચાલુ રહેશે તો વૈશ્વિક અર્થવ્યવસ્થાને ગંભીર ઝટકો લાગી શકે છે.
વૈશ્વિક અર્થતંત્ર માટે આ એક ગંભીર ચેતવણી છે અને ખાસ કરીને નબળી અર્થવ્યવસ્થાઓને સૌથી વધુ નુકસાન થઈ શકે છે.
