બિહારના નાલંદા શીતળા માતા મંદિરમાં નાસભાગ કેસમાં ચાર પૂજારીઓની ધરપકડ
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગથી 8 લોકોના મૃત્યુ
પટના, ૧ એપ્રિલ નાલંદા જિલ્લાના શીતલા માતા મંદિરમાં થયેલી જીવલેણ નાસભાગ બાદ પોલીસે મોટી કાર્યવાહી કરતા ચાર પૂજારીઓની ધરપકડ કરી છે અને ૪૦ લોકો સામે ગુનો નોંધ્યો છે. એક દિવસ પહેલા બનેલી આ ઘટનામાં નવ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અન્ય કેટલાક ઘાયલ થયા હતા.
આ નાસભાગ નાલંદાના દીપનગર પોલીસ સ્ટેશન હેઠળના મઢડા ગામમાં આવેલા મંદિરમાં થઈ હતી, જેના પગલે વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લીધા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સત્તાધીશોએ વિગતવાર તપાસ શરૂ કરી હતી.
દીપનગર પોલીસ સ્ટેશનમાં ૨૦ નામજોગ વ્યક્તિઓ અને ૨૦ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બેદરકારી અને ભીડનું નબળું વ્યવસ્થાપન આ દુર્ઘટના પાછળના મુખ્ય કારણો હતા. પોલીસ અને વહીવટી ટીમો તેમની તપાસ ચાલુ રાખી રહી છે અને અન્ય આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. બીજી તરફ, પીડિતોના પરિવારોમાં શોક અને રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વહીવટીતંત્રે ઘાયલોની તબીબી સારવાર સુનિશ્ચિત કરી છે અને અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી છે. આ ઘટનાએ ધાર્મિક મેળાવડાઓમાં, ખાસ કરીને જ્યારે ભીડ વધુ હોય ત્યારે, ક્રાઉડ કંટ્રોલ (ભીડ નિયંત્રણ) અને સુરક્ષાના નિયમો અંગે ફરી એકવાર ગંભીર ચિંતા જગાવી છે.
મળતી માહિતી મુજબ, ચૈત્ર માસનો છેલ્લો મંગળવાર હોવાથી શીતલા માતાના મંદિરે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં પોલીસ અને વહીવટીતંત્રનો બંદોબસ્ત નહિવત હોવાનું જાણવા મળ્યું છે.
દર્શન કરવાની ઉતાવળમાં કેટલાક શ્રદ્ધાળુઓએ કતાર તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. એકાએક ભીડ બેકાબૂ બનતા લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા, જેના પરિણામે આ ભયાનક નાસભાગ સર્જાઈ હતી.
સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ હોનારત પાછળ પોલીસ-પ્રશાસનની ઘોર બેદરકારી જવાબદાર છે. મહત્વની વાત એ છે કે, આ સમયે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ નાલંદાની મુલાકાતે છે. તેઓ નાલંદા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા છે.
જેથી સમગ્ર વહીવટીતંત્રનું ધ્યાન રાષ્ટ્રપતિના કાર્યક્રમ અને સુરક્ષા વ્યવસ્થામાં હોવાને કારણે શીતલા મંદિરે પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો નહોતો, જે અંતે ઘાતક સાબિત થયો.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તબીબોએ ૮ લોકોને મૃત જાહેર કર્યા છે, જ્યારે અડધો ડઝનથી વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે.
